KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલમાં ટ્રાફિકને અવરોધતી લારીઓ પર પોલીસનો સપાટો, 7 લારી ધારકો સામે કાયદેસરની કાર્યવાહી.

 

તારીખ ૧૯/૦૭/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગરના ભાથીજી મંદિર પાસે છેલ્લા ઘણા વર્ષોથી આડેધડ ઊભી રહેતી હાથલારીઓના દબાણોને કારણે સ્થાનિક રહીશો, રાહદારીઓ તેમજ વાહન ચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. મુખ્ય બજાર અને જાહેર માર્ગો પર થતા આ ગેરકાયદેસર દબાણો અંગે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં કાલોલ નગરપાલિકા દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા તંત્રની ઘોર નિષ્ક્રિયતા સામે લોકરોષ ફાટી નીકળ્યો છે. જ્યાં જાહેર માર્ગો પર ટ્રાફિકને અવરોધતા તત્વો સામે તાજેતરમાં જ પોલીસ તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી. કાલોલ પોલીસ સ્ટેશનના સ્ટાફે બજાર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ભાથીજી મંદિર પાસે રસ્તાની મધ્યમાં લારીઓ ઊભી રાખી ટ્રાફિક અને રાહદારીઓને અડચણ ઊભી કરનારા ૭ જેટલા લારીધારકોને ઝડપી પાડ્યા હતા. જેમાં બટાકા, ટામેટા, લસણ અને શાકભાજીની લારીઓ સરેઆમ રોડ પર ઊભી રાખી અડચણ ઊભી કરવા બદલ નાદીરશાહ બફાસીતા ફકીર, ઐયુબ ઇબ્રાહીમ નાથા, વસીમ સત્તાર મેતર, મોહમદ ફારૂકભાઈ ઘોડાવાલા, એજાજ અલ્લારખા ઘાંચી, અખતર અબદુલ મજીદ શેખ અને મહેન્દ્રકુમાર અર્જુનભાઈ સોલંકી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહીતા (BNS) ની કલમ ૨૮૫ મુજબ કાયદેસરના ગુન્હાઓ નોંધી અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા.

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, પોલીસ દ્વારા સમયાંતરે આ પ્રકારે ગુન્હાઓ નોંધીને દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ કાલોલ નગરપાલિકાનું તંત્ર આ બાબતે કાયમી ઉકેલ લાવવામાં સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યું છે. નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કોઈ મજબૂત ઝુંબેશ ન ચલાવાતી હોવાથી લારીવાળાઓ પોલીસ કાર્યવાહી બાદ ફરીથી રસ્તાઓ રોકીને બેસી જાય છે. મંદિર આવતા ભક્તો અને બજારમાં ખરીદી માટે આવતી મહિલાઓને આ આડેધડ ઊભી રહેતી લારીઓના કારણે ચાલવાની પણ જગ્યા મળતી નથી.‌ નગરના બુદ્ધિજીવીઓ અને સ્થાનિકોની માંગ છે કે નગરપાલિકા તંત્ર વહેલી તકે જાગે અને ભાથીજી મંદિર વિસ્તારને ‘નો-હોકિંગ ઝોન’ જાહેર કરી આડેધડ ઊભી રહેતી લારીઓ સામે કાયમી અને કડક વહીવટી પગલાં ભરે, જેથી વર્ષો જૂની આ ટ્રાફિકની સમસ્યાથી નગરજનોને કાયમી મુક્તિ મળી શકે.

Back to top button
error: Content is protected !!