ગોધરા-હાલોલ હાઈવે પર અલીન્દ્રા ચોકડી પાસે બંધ બસ છેલ્લા ચાર દિવસથી ઉભી, તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલ.

તારીખ ૦૩/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
ગોધરા-હાલોલ હાઈવે પર આવેલી અલીન્દ્રા ચોકડી પાસે છેલ્લા ચાર દિવસથી એક ખાનગી કંપનીની લક્ઝરી બસ બંધ હાલતમાં અધવચ્ચે પડી રહી હોવા છતાં, સંબંધિત વહીવટી તંત્ર કે ટોલ કંપની દ્વારા તેને હટાવવાની કોઈ તસદી લેવામાં આવી નથી. અત્યંત વ્યસ્ત એવા આ હાઈવે પર સર્જાયેલી આ સ્થિતિને પગલે વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવા સવાલો ઉઠી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કાલોલ ની અલીન્દ્રા ચોકડી પાસે આવેલી ડિલાઈટ હોટલ નજીક, સ્પીડ બમ્પની બિલકુલ બાજુમાં જ એક જાણીતી બહુરાષ્ટ્રીય કંપનીની લક્ઝરી બસ છેલ્લા ચાર દિવસથી ખોટકાયેલી હાલતમાં ઊભી છે. ઉલ્લેખનીય છે કે આ ચોકડી અને બમ્પ પાસે અગાઉ પણ અનેક નાના-મોટા અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે. આવા સંવેદનશીલ અને અકસ્માત સંભવિત સ્થળે જ દિવસ-રાત દોડતા હાઈવે ટ્રાફિક વચ્ચે આ વિશાળ બસ પડી રહી છે, જે રાત્રિના સમયે ભારે જોખમ ઊભું કરે છે.હાઈવે પરથી રોજની હજારો ગાડીઓ પસાર થાય છે અને ટોલ ટેક્સ વસૂલતી કંપનીની પેટ્રોલિંગ ટીમો પણ સતત દોડતી હોય છે. આમ છતાં, છેલ્લા ૯૬ કલાકથી હાઈવેની કિનારે અડિંગો જમાવીને પડેલી આ બસ હજી સુધી હાઈવે ઓથોરિટી કે સ્થાનિક પોલીસ તંત્રની નજરે કેમ નથી ચડી? સ્થાનિક રાહદારીઓ અને વાહનચાલકો પૂછી રહ્યા છે કે:”શું તંત્ર કોઈ માસૂમનો ભોગ લેવાય તે પછી જ જાગશે? હાઈવે પર સુરક્ષાની વાતો કરતી ટોલ કંપની અત્યારે ક્યાં ગાયબ છે?”સ્થાનિક અગ્રણીઓ અને વાહનચાલકો માંગ કરી રહ્યા છે કે કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલાં આ બંધ પડેલી લક્ઝરી બસને તાત્કાલિક અસરથી ક્રેન દ્વારા હટાવી હાઈવે ખુલ્લો કરવામાં આવે, જેથી અહીંથી પસાર થતા હજારો વાહનચાલકોનો જીવ જોખમમાં મુકાતા બચે.








