કાલોલ મુસ્લીમ વિસ્તારોમાં ઠેરઠેર હુસેની માહોલ છવાયો: રંગબેરંગી લાઈટોથી શણગારેલા તાજીયાએ જમાવ્યું આકર્ષણ.

તારીખ ૨૪/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેરમાં ઇસ્લામિક પરંપરા મુજબ ત્યાગ અને બલિદાનના પ્રતીક સમાન આગામી મોહરમ પર્વની ઉજવણીને લઈને મુસ્લિમ સમાજમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે મુસ્લીમ વિસ્તારોમાં ઠેરઠેર હુસેની માહોલ સર્જાયો હતો જ્યાં મોહરમ નિમિત્તે તાજીયાનું વિશેષ મહત્વ હોય છે, જેને પગલે છેલ્લા નવ દિવસથી લઘુમતી સમાજના વિવિધ વિસ્તારોમાં કુશળ કારીગરો દ્વારા અવનવી કલા-કારીગરી અને ઇલેક્ટ્રિક લાઇટિંગથી સજ્જ ભવ્ય રંગબેરંગી ઝરીના તાજીયા તૈયાર કરવામાં આવી રહ્યા છે.
આ વર્ષે ખાસ કરીને કાલોલ તમામ કમિટીઓ દ્વારા બનાવવામાં આવી રહેલા તાજીયા પોતાની અદભુત કલાત્મકતા અને આકર્ષક લાઇટિંગને કારણે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, જે આ વર્ષે મોહરમની શાન બની રહેશે તેવું લાગી રહ્યું છે.પરંપરા અનુસાર, મોહરમના ૧૦મા ચાંદ (આશુરા) ના દિવસે કાલોલના વિવિધ વિસ્તારોમાંથી તમામ તાજીયાઓને જુમ્મા મસ્જિદના ચોકમાં એકત્રિત કરવામાં આવશે. ત્યાંથી મુસ્લિમ બિરાદરોની વિશાળ ઉપસ્થિતિમાં એક ભવ્ય જુલૂસ કાઢવામાં આવશે અને ત્યારબાદ ધાર્મિક રીત-રિવાજો સાથે તાજીયાઓને નજીકના જળાશયમાં ઠંડા કરવામાં આવશે. હાલ સમગ્ર કાલોલ શહેરમાં મોહરમ પર્વને આવકારવા માટે તડામાર તૈયારીઓ આખરી તબક્કામાં ચાલી રહી છે.








