KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલમાં બસ સ્ટેશન નજીક દુકાનમાંથી પ્રતિબંધિત ગ્લુ-ટ્રેપનું વેચાણ કરતો વેપારી ને ૪૮ નંગ ગ્લુ-ટ્રેપ સાથે ઝડપી પાડ્યો.

 

તારીખ ૨૩/૦૫/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પ્રતિબંધિત ગ્લુ-ટ્રેપ (ઉંદર પકડવાનું સ્ટીકી પેડ) નું ગેરકાયદેસર વેચાણ કરતા એક વેપારીને ઝડપી પાડી, તેની વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા દુકાનમાંથી કુલ ૪૮ નંગ ગ્લુ-ટ્રેપનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.પીડાદાયક મૃત્યુને રોકવા માટે લાદવામાં આવ્યો છે પ્રતિબંધ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આદેશિત અને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં થયેલ Writ Petition (PIL) 28/2024 ના ઓર્ડર અન્વયે પંચમહાલ જિલ્લામાં ગ્લુ-ટ્રેપના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું અમલમાં છે. ગ્લુ-ટ્રેપ પર ચોંટી ગયેલા અબોલ જીવો (જેવા કે ઉંદર, પક્ષી કે અન્ય નાના પ્રાણીઓ) તરસ (ડીહાઈડ્રેશન), ભૂખમરો અને ગુંગળામણના કારણે અત્યંત કમકમાટીભર્યા અને પીડાદાયક રીતે મૃત્યુ પામે છે. આવા ક્રૂર અને પીડાદાયક મૃત્યુને અટકાવવા માટે આ કાયદાકીય પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષક (પંચમહાલ-ગોધરા રેન્જ) તથા પોલીસ અધિક્ષક પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ કાલોલ પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.ડી. ભરવાડ દ્વારા સ્ટાફને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.જે અંતર્ગત પો.સ.ઈ. એમ.આર. મોહનીઆ અને તેમની ટીમ કાલોલ બસ સ્ટેશન નજીક પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન “શ્રધ્ધા સ્ટેશનરી” નામની દુકાનમાં તપાસ કરતા ત્યાંથી ₹૪,૮૦૦/- ની કિંમતની કુલ ૪૮ નંગ પ્રતિબંધિત ગ્લુ-ટ્રેપ મળી આવી હતી.પોલીસે આ મામલે વ્રજ વિહાર સોસાયટી, કાલોલના રહેવાસી વેપારી રિંકેશ ભાસ્કરભાઈ શેઠ વિરૂદ્ધ કાલોલ પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. એક્ટ કલમ ૨૨૩ મુજબ (ગુ.ર.નં. ૧૧૨૦૭૦૩૬2૬૦૫૩૧/૨૬) જાહેરનામા ભંગનો ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જિલ્લામાં અમલી જાહેરનામા મુજબ નીચેની બાબતો પર સખત પ્રતિબંધ છે.જેમાં કોઈપણ વેપારી કે વ્યક્તિ ગ્લુ-ટ્રેપનું ઉત્પાદન, સ્ટોક કે વેચાણ કરી શકશે નહીં અને કોઈપણ સોસાયટી, ઘર, દુકાન, ગોડાઉન કે ઓફિસમાં ઉંદર પકડવા માટે ગ્લુ-ટ્રેપનો ઉપયોગ કરી શકાશે નહીં. અને જો કોઈ વ્યક્તિ આ પ્રતિબંધિત ગ્લુ-ટ્રેપનું વેચાણ કે ઉપયોગ કરતા પકડાશે, તો તેની સામે કાયદેસરની શિક્ષાત્મક પોલીસ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!