કાલોલની રઘુકૃપા હોટેલના પાર્કિંગમાંથી વડોદરાના વેપારીની ₹45,000ની બાઇક ઉઠાવી ગયા ચોર,પોલીસ તપાસ તેજ.

તારીખ ૩૦/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકામાં આવેલી એક હોટેલના પાર્કિંગમાંથી અજાણ્યો ચોર ઇસમ હોન્ડા સાઇન મોટરસાયકલની ચોરી કરીને ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે વડોદરાના એક સીસીટીવી ઇન્સ્ટોલેશનના વેપારીએ કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.મળતી માહિતી મુજબ, વડોદરા શહેરના વાઘોડીયા રોડ પર આવેલી હીરાબા નગર સોસાયટીમાં રહેતા ૨૫ વર્ષીય અક્ષયભાઈ શંકરભાઈ વસાવા સી.સી.ટી.વી. ઇન્સ્ટોલ કરવાનો ધંધો કરે છે. ગત તારીખ ૨૨/૦૬/૨૦૨૬ના રોજ તેઓ પોતાના સી.સી.ટી.વીના કામ અર્થે પોતાની હોન્ડા સાઇન મોટરસાયકલ (નંબર: GJ-06-SG-4193) લઈને હાલોલ આવ્યા હતા.ત્યાંથી તેઓ હાલોલ-કાલોલ રોડ પર મધવાસ ગામ પાસે, રાજપુતાના કંપનીની બાજુમાં આવેલી રઘુક્રુપા હોટેલ ખાતે ગયા હતા અને ત્યાં રૂમ ભાડે રાખીને રોકાયા હતા. રાત્રે આશરે ૧૧:૦૦ વાગ્યે તેઓ જમીને પરત આવ્યા બાદ તેમણે પોતાની બાઈક હોટેલના નીચેના પાર્કિંગમાં સ્ટેરીંગ લોક કરીને પાર્ક કરી હતી.બીજા દિવસે એટલે કે તારીખ ૨૩/૦૬/૨૦૨૬ના રોજ સવારે આશરે ૦૭:૦૦ વાગ્યે જ્યારે અક્ષયભાઈ જાગીને નીચે પાર્કિંગમાં ગયા, ત્યારે તેમની મોટરસાયકલ ત્યાં જોવા મળી ન હતી. શરૂઆતમાં કોઈ ભૂલથી બાઈક લઈ ગયું હશે તેમ વિચારીને તેમણે આજુબાજુમાં તથા પોતાના સ્તરે ઘણી શોધખોળ કરી હતી. પરંતુ લાંબા સમય સુધી મોટરસાયકલની કોઈ ભાળ ન મળતા આખરે તેમણે પોલીસના દ્વાર ખખડાવ્યા હતા.કાલોલ પોલીસે આ મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૩૦૩(૨) હેઠળ અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ચોરાયેલી મોટરસાયકલની અંદાજિત કિંમત રૂપિયા ૪૫,૦૦૦ હોવાનું જણાવાયું છે.કાલોલ પોલીસ દ્વારા આગળની કાયદેસરની તપાસ શરૂ કરી હોટેલ અને આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસીને અજાણ્યા તસ્કરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.







