વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.
ભુજા , તા-06 એપ્રિલ : ષ્ટ્રીય ચક્રવાત જોખમ નિવારણ પ્રોજેક્ટ (NCRMP), ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્યને કેટેગરી – ૧ અર્થાત્ ઉચ્ચ નબળાઈ વાળા એટલે કે, ચક્રવાત આવવાની વધુ શક્યતા ધરાવતા રાજ્યમાં વર્ગીકૃત કરેલ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ગુજરાતના દરિયાકાંઠાથી ૧૦૦ કિલોમીટરની રેન્જમાં આવેલ ૧૬ જિલ્લાઓ પૈકી કચ્છ જિલ્લાને ચક્રવાત આવવાની “અત્યંત સંભવિત” કેટેગરી એટલે કે “P-2” કેટેગરીમાં વર્ગીકૃત કરેલ છે.
કચ્છ જિલ્લામાં આવા ચક્રવાત અને વાવાઝોડાના સમયે માછીમારો, અગરિયાઓ અને દરિયા કાંઠા વિસ્તારમાં વસતા નાગરિકો સૌથી વધુ પ્રભાવિત થાય છે. કચ્છ જિલ્લાના રાપર, ભચાઉ, અંજાર, ગાંધીધામ, ભુજ, અબડાસા, મુન્દ્રા અને લખપત તાલુકામાં ૪૦૦૦થી વધુ અગરિયા કુટુંબો કચ્છના રણ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં મીઠું પકાવવાનો વ્યવસાય કરીને આજીવિકા મેળવે છે.
કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કચ્છના માર્ગદર્શન નીચે અધિક કલેક્ટર અને ડેપ્યુટી કન્ટ્રોલર, સિવિલ ડિફેન્સ અને સિવિલ ડિફેન્સ કચેરી, કચ્છ દ્વારા અગરિયાઓ અને માછીમારોને ચક્રવાત, વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ સમયે કેવી રીતે જાનમાલનું રક્ષણ કરવું અને તકેદારીના કયા પગલા હાથ ધરવા તે અંગે તાલીમ આપવાના ભાગરૂપે આજ તારીખ ૦૫/૦૪/૨૦૨૫ના રોજ ભુજ તાલુકાના દદ્ધર મોટી, દદ્ધર નાની, સાંધારા, દેઢિયા અને અંધાઉ ગામના રણમાં મીઠું પકવતા અગરિયા ભાઇ બહેનો માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉક્ત તાલીમ પ્રોગ્રામમાં અગરિયાઓને ઓળખકાર્ડ અને તેઓને લગતી સરકારશ્રીની અન્ય યોજનાઓની અમલવારી સાથે સંકળાયેલા કચ્છ જિલ્લાના શ્રમ વિભાગના આસિસ્ટન્ટ લેબર ઓફિસર શ્રી ચિંતન ભટ્ટ અને એમની ટીમે હાજર રહીને પ્રાસંગિક માર્ગદર્શન આપ્યું.
તાલીમની શરૂઆતમાં નાગરિક સંરક્ષણ કચેરીના નાયબ નિયંત્રક અને અધિક કલેક્ટર શ્રી ડી.કે.પંડ્યા દ્વારા નાગરિક સંરક્ષણ વિશે બેઝિક માહિતી આપવામાં આવી તથા તાલીમના મોડ્યુલ વિશે પ્રાથમિક જાણકારી આપવામાં આવી. શ્રી ચિરાગભાઈ ભટ્ટ, ચિફ વોર્ડન દ્વારા ચક્રવાત એટલે શું ? ચક્રવાતના આગમનની ચેતવણી, ચક્રવાત પહેલા દરમિયાન અને પછીના પગલાઓ વગેરે વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી. તેમજ શ્રી રોહિતભાઈ ઠક્કર, વૉર્ડન દ્વારા પ્રાથમિક સારવાર જેમકે દાઝી જવું, પડી જવું અને કુત્રિમ શ્વાસોશ્વાસ વગેરે વિશે વિસ્તૃત થિયરીટીકલ અને પ્રેક્ટીકલ માહિતી આપવામાં આવી. આ તાલીમમાં કુલ ૧૭૦ કરતા વધારે અગરિયામિત્રોએ ભાગ લીધો હતો. તાલીમના અંતે અગરિયા મિત્રો વચ્ચે ઓ.આર.એસ.ના પેકેટ, હાઈડ્રોજન પેરોક્સાઈડ, કોટન વુલ, એન્ટિસેફ્ટી ક્રીમ અને એન્ટી બર્ન ક્રીમ વગેરે જેવી પ્રાથમિક દવાઓનું વિતરણ કરવામાં આવેલ છે.
આગામી સમયમાં કચ્છ જિલ્લાના વસવાટ કરતા કુલ – ૩૮૦૦ જેટલા અગરિયા કુટુંબોને જિલ્લાના વિવિધ સ્થળોએ આવી જ તાલીમો આપવા માટે કાર્યક્રમો હાથ ધરવામાં આવનાર છે.
નાગરિક સંરક્ષણ તંત્રની ઉક્ત પ્રાથમિક તાલીમ દરેક નાગરિક લે અને નાગરિક સંરક્ષણ દળમાં જોડાય તેવી અપીલ છે તેમ નાયબ નિયંત્રક અને અધિક કલેક્ટરશ્રી ડી.કે.પંડ્યા દ્વારા જણાવાયું છે.