Rajkot: રાજકોટ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી માટે કલેક્ટર કચેરીમાં યોજાઈ બેઠક
તા.૭/૧૦/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
૭થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ગ્રામથી લઈને મહાનગર સ્તરે ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લેવાશે
રાજકોટ મહાનગર-જિલ્લામાં ૨૦૦થી વધુ વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે
વિકાસ થકી જેમના જીવનમાં પરિવર્તન આવ્યું છે એવા લાભાર્થીઓના શાળા-કોલેજોમાં સંવાદનું આયોજન
Rajkot: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ષ ૨૦૦૧માં સાતમી ઓક્ટોબરે શપથ લઈને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા અને આજે તેઓ ભારતના વડાપ્રધાન તરીકે દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા દિવસ-રાત જહેમત કરી રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના ૨૩ વર્ષના સુ-શાસનની ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં ૭થી ૧૫ ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ મહાનગર તથા જિલ્લામાં આ સપ્તાહની ઉજવણી માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી.
ઈન્ચાર્જ કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી ડૉ. નવનાથ ગવ્હાણેની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રાજકોટ શહેર તથા જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણીનું આયોજન ઘડવામાં આવ્યું હતું. જે મુજબ, રાજકોટ મહાનગર, જિલ્લાની નગરપાલિકાઓ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આ સપ્તાહ દરમિયાન ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લેવામાં આવશે.
આ સાથે વિવિધ થીમ સાથે યુવા સશક્તિકરણ દિવસ, સુશાસન દિવસ, ઉદ્યોગ સાહસિકતા દિવસ, પોષણ આરોગ્ય દિવસ તથા પ્રાકૃતિક ખેતી દિવસ જેવા દિવસની ઉજવણીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં યુવાનોને પણ જોડવામાં આવશે.
આ ઉપરાંત જિલ્લાના આઈકોનિક સ્થળો પર ‘ભારત વિકાસ પદયાત્રા’ પણ યોજાશે. જેમાં વિવિધ સંસ્થાઓ, સંગઠનો તેમજ નાગરિકો પણ સહભાગી થશે. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં લોક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવશે. જેમાં લોક કલાકારો દ્વારા છેલ્લા ૨૩ વર્ષમાં વિકાસની વિવિધ યોજનાઓ થકી આવેલા પરિવર્તનની ગાથા લોકો સુધી પહોંચાડાશે. છેલ્લા ૨૩ વર્ષમાં વિકાસની વિવિધ યોજના થકી જેમના જીવનમાં પરિવર્તન આવ્યું છે, તેવા લાભાર્થીઓ પોતાની સફળતાની ગાથા અને અનુભવો કોલેજીયનો-વિદ્યાર્થીઓ સાથે વહેંચી શકે તે માટે સંવાદનું પણ આયોજન થઈ રહ્યું છે.
આ સપ્તાહ દરમિયાન રાજકોટ મહાનગર-જિલ્લામાં ૨૦૦થી વધુ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત – લોકાર્પણનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વોલ પેઈન્ટિંગ, સ્વચ્છતા, આઈકોનિક સ્થળ સુશોભન સહિતના કાર્યક્રમો પણ થશે. જેમાં નાગરિકો પણ જોડાઈ શકશે.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી ચેતન ગાંધી, નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર શ્રી મહેશ જાની, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એ.કે. વસ્તાણી, રૂડાના સી.ઈ.ઓ. શ્રી જી.વી. મિયાણી, અધિક કલેક્ટર સુશ્રી જિજ્ઞાસા ગઢવી, જિલ્લા આયોજન અધિકારી શ્રી નીતિન ટોપરાણી, જિલ્લા પૂરવઠા અધિકારી સુશ્રી રાજશ્રી વંગવાણી, પ્રાંત અધિકારીઓ સર્વ શ્રી મહેક જૈન, સુશ્રી ચાંદની પરમાર, શ્રી વિમલ ચક્રવર્તી, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી શ્રી કેતન ખપેડ, જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી જનકસિંહ ગોહિલ તેમજ અન્ય વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે અન્ય પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ વગેરે ઓનલાઈન જોડાયા હતા.