Rajkot: ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ અંતર્ગત રાજકોટ જિલ્લાની તમામ તબીબી સંસ્થાઓને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા અપીલ
તા.૩૧/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લીશમેન્ટ અધિનિયમ ૨૦૨૧ અનુસાર તબીબી પ્રેક્ટિસ કરતા સેન્ટરોની નોંધણી ઓનલાઇન કરવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિશિષ્ટ સુવિધા વિકસાવવામાં આવી છે. જેમાં ઓનલાઇન https://clinicalestablishment.gipl.in વેબ લિન્ક પરથી તમામ જાહેર, ખાનગી, ટ્રસ્ટ સંચાલિત, વ્યક્તિગત ક્લિનિક, હોસ્પિટલ, પ્રસુતિ ગૃહ, નર્સિંગ હોમ, લેબોરેટરીઓ, એક્સ-રે, ઇમેજિંગ વગેરે સેન્ટરોએ નોંધણી કરાવવાની થાય છે.
આ નિયમને અંતર્ગત તમામ ચિકિત્સા પદ્ધતિઓ જેવી કે એલોપેથી, આયુર્વેદ, હોમિયોપેથી વગેરે અન્ય પદ્ધતિઓની સેવા આપતી તબીબી સંસ્થાઓએ નોંધણી કરાવવી ફરજીયાત છે. આ માટે જે સેન્ટરોએ ઓનલાઇન અરજી કરવાની બાકી હોય તેઓને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવા જણાવવામાં આવે છે. જે સેન્ટરોએ તા.૧૨/૦૩/૨૦૨૫ સુધીમાં પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન મેળવેલ નહીં હોય તેઓ સામે કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેમ જિલ્લા રજીસ્ટરિંગ ઓથોરિટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રાજકોટની યાદી દ્વારા જણાવવામાં આવે છે.