Rajkot: મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂ. ૮૪.૨૯ કરોડથી વધુના ખર્ચે નિર્મિત ૩ જૂથ યોજનાના કરાશે લોકાર્પણ
તા.૫/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ જિલ્લાના ૧૩૨ ગામના ૩.૭૦ લાખથી વધુ લોકોને મળશે નિયમિત ૧૦૦ લીટર પાણી
Rajkot: પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રાજકોટ જિલ્લાનું પ્રત્યેક ઘર “હર ઘર નલ” યોજનાથી લાભાન્વિત થયું છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અંદાજે ૮૪.૨૯ કરોડના ખર્ચે નવનિર્મિત મચ્છુ-૧, મોવિયા અને પડધરી મળીને ૩ સુધારણા જૂથ યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવશે. આ ૩ જૂથ યોજનાઓ અંતર્ગત રાજકોટ, વાંકાનેર, ગોંડલ, કોટડાસાંગાણી, પડધરી, લોધિકા અને ધ્રોલ તાલુકાના ૧૩૨ ગામ – નગરોને સાંકળી લેવામાં આવ્યા છે. આ યોજનાઓ કાર્યરત થતા આ તમામ ગામોના કુલ ૩.૭૦ લાખથી વધુ લોકોને માથાદીઠ ૧૦૦ લીટર પાણી નિયમિત પહોંચાડવામાં આવશે.
રાજકોટ જિલ્લાના પડધરી, રાજકોટ, ધ્રોલ અને લોધિકા તાલુકાના ૪૬ ગામો-શહેરના આશરે ૧,૧૧,૧૧૪ લોકોને ૧૦૦ એલ.પી.સી.ડી. પાણી પહોંચાડવા રૂ. ૨૨.૮૮ કરોડના ખર્ચે પાઇપલાઇન, વિવિધ હેડ વર્કસ ખાતે પ થી ૧૦ લાખ લીટર ક્ષમતા સુધીના રો-વોટર સંપ, ૪૦ લાખ લિટર ક્ષમતાની ઇ.એસ.આર, વિવિધ ગ્રામ કક્ષાના સંપ અને પંપીંગ મશીનરી સહિતની વ્યવસ્થાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ઉપરાંત રૂ. ૧૯.૧૫ કરોડના ખર્ચે મચ્છુ-૧ ગૃપ સુધારણા યોજના હેઠળ રાજકોટ અને વાંકાનેર તાલુકાના ૪૭ ગામોની ૧,૨૬,૪૪૩ માનવ વસ્તીને ૧૦૦ એલ.પી.સી.ડી. પાણી પૂરું પાડવા ૯.૮૬ કી.મી. ડી.આઇ.કે.-૭ અને ૮૮.૧૫૦ કી.મી. પી.વી.સી. પાઈપલાઈન, વિવિધ હેડ વર્કસ ખાતે ૪ થી ૧૩ લાખ લીટર ક્ષમતાના રો-વોટર સંપ, પંપ હાઉસ અને પંપીંગ મશીનરીની સુવિધા ઉભી કરવામાં આવી છે.
સાથોસાથ રૂ. ૪૨.૨૬ કરોડના ખર્ચે મોવિયા જૂથ સુધારણા હેઠળ ગોંડલ અને કોટડા સાંગાણી તાલુકાના ૩૯ ગામોની ૧,૩૩,૪૮૮ની વસ્તીને નિયત પાણીનો જથ્થો પહોંચાડવા ૪૯.૪૯ કી.મી. ડી.આઇ. પાઇપલાઇન અને ૭૧.૭૯ કી.મી. પી.વી.સી. પાઇપલાઇન, વિવિધ હેડ વર્કસ ખાતે ૧ થી ૩૦ લાખ લીટર ક્ષમતાનો રો-વોટર સંપ, ૧૫ લાખ લિટર ક્ષમતાની ઈ.એસ.આર., ગ્રામીણ સ્તરે વિવિધ સંપ, પંપ હાઉસ તથા પંપીંગ મશીનરીની સુવિધાઓ વિકસાવવામાં આવી છે.
તમામ ગ્રામીણ વિસ્તારોમાં હાલના તબક્કે પાણીની જરૂરિયાતો વધી રહી છે તે મુજબ મોવિયા જૂથ યોજના હેઠળ દૈનિક ૧૩.૫૦ એમ.એલ.ડી., પડધરી યોજના હેઠળ દૈનિક ૧૧.૧૦ એમ.એલ.ડી અને મચ્છુ-૧ યોજના હેઠળ દૈનિક ૧૨.૬૪ એમ.એલ.ડી પાણીની જરૂરિયાતોને સંતોષવામાં આવશે. આમ, મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પિત થનાર પાણી પુરવઠા વિભાગ અંતર્ગતના આ પ્રકલ્પો થકી લાખો લોકોને પીવા અને ઘર વપરાશ માટે પાણીનો મહત્તમ અને પૂરતો જથ્થો ઝડપથી પહોંચાડી શકાશે.