GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: “મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ ૨૦૧૩” અન્વયે જાગૃતિ સેમિનાર યોજાયો

તા.૭/૮/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

“મહિલાઓએ પોતાના અધિકારો માટે જાગૃત થવાની જરૂર”- જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશી

Rajkot: “નારી વંદન ઉત્સવ” અંતર્ગત આજે પાંચમાં દિવસની “મહિલા કર્મયોગી” દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર તથા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે કલેકટરશ્રી પ્રભવ જોષીના અધ્યક્ષ સ્થાને મહિલાઓ માટે કામકાજના સ્થળે જાતીય સતામણી અંગે જાગૃતિલક્ષી સેમિનાર યોજાયો હતો.

આ તકે કલેકટરશ્રી પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, રાજ્યસરકાર દ્વારા મહિલા સશક્તિકરણ અંતર્ગત વિવિધ યોજનાઓ કાર્યરત છે. જ્યારથી દીકરીઓનો જન્મ થાય છે ત્યારથી લઈ દીકરીના લગ્ન અને નિવૃત્ત જીવનમાં પણ સહારો થાય ત્યાં સુધીની યોજનાઓ અમલમાં છે. અત્યારે વર્કિંગ વુમનનું પ્રમાણ વધુ છે, ત્યારે ઘર અને ઓફિસ બંને સાથે સંભાળવું અઘરું બને છે. મહિલાઓની સુરક્ષાને લઈને ઓફિસમાં ઘણા કિસ્સાઓ બનવાની સંભાવના હોવાથી મહિલાઓની સુરક્ષાની જાળવણી જરૂરી છે. દરેક મહિલાઓ પોતાના સ્વરક્ષણ માટે મહિલાલક્ષી કાયદા વિશે માહિતી મેળવે તે ખૂબ જરૂરી છે. ત્યારે આ કાર્યક્રમ ખૂબ મહત્વનો સાબિત થશે. હવે સમય બદલાયો છે, તમામ મહિલાઓએ પોતાના હક માટે જાગૃત થવાની જરૂર છે.

જિલ્લા પૂરવઠા અધિકારીશ્રી રાજેશ્રીબહેન વંગવાણીએ જણાવ્યું હતું કે, સરકારની કાયદાકીય સુરક્ષા અને યોજનાકીય સુરક્ષા થકી મહિલા સશક્તિકરણને વેગ મળ્યો છે. હાલ દીકરીઓ માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ કાર્યરત છે, જે બાબતે તેમણે સૌને જાણકારી આપી હતી.

વધુમાં રાજકોટ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીશ્રી ડો.જનકસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, તમામ સરકારી કચેરીઓમાં મહિલાઓને જાતિય સતામણીથી બચાવવા માટે એક કમિટીની રચના કરવાની જોગવાઈ છે. જેને કામકાજના સ્થળે “મહિલાઓની જાતીય સતામણી” એક્ટ અંતર્ગત કચેરીની “આંતરિક ફરિયાદ નિવારણ સમિતિ” કહેવાય છે. જેમાં કચેરીમાં સિનિયર મહિલા કર્મચારીને અધ્યક્ષ બનાવવામાં આવે છે અને સભ્યોમાં એક બિન સરકારી વ્યક્તિ તથા અન્ય બે મહિલા કર્મચારીઓ કચેરીમાંથી લેવામાં આવે છે. જે અંગેના કાયદાઓની વધુ જાણકારી માટે આજે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વેળાએ એડવોકેટ શ્રી નમ્રતાબેન ભદોરિયાએ સરકારી કચેરીની મુલાકાત લેનાર મહિલાઓ સાથે પણ ઉત્પીડનનો કેસ બન્યો હોય તો તેમને પણ ન્યાય આપવાની અને તેમની ફરિયાદની તપાસની શું જોગવાઈ છે તે બાબતે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, કચેરીમાં આવેલા કોઈપણ મુલાકાતી સાથે પણ જાતીય સતામણીની ઘટના બની હોય તો આ સમિતિ દ્વારા તેમની ફરિયાદ લઈને તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આ સેમિનારમાં ફરિયાદ મળ્યા બાદ સમિતિ તપાસ કેવી રીતે કરશે, કયા મુદ્દાઓને ધ્યાનમાં લેવાશે, સામેવાળા સામે શું પગલાં લેશે ? સહિતના મુદ્દાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ કચેરીના વડા સામે ફરિયાદ થઈ હશે તો તેવા કિસ્સામાં કલેકટરશ્રીની દેખરેખ હેઠળ રચાયેલી જિલ્લાકક્ષાની કમિટીમાં ફરિયાદ થઈ શકશે તેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીશ્રી સીમાબેન શિંગાળા, રાજકોટ જિલ્લાની તમામ કચેરીમાં રચાયેલી આંતરિક સમિતિના અધ્યક્ષશ્રીઓ સહિત કચેરીઓમાં કાર્યરત મહિલા અધિકારીશ્રીઓ અને મહિલા કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૪ |કિડની પથરી અને પ્રોસ્ટેટ થી કઈ રીતે બચવું ? | Urology |Dr. Keyur Patel

[wptube id="1252022"]
Back to top button