Rajkot: જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા દિવ્યાંગજન હેતુ “સુગમ્ય યાત્રા” યોજાઈ
તા.૭/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
“Yes To Access” એપની મદદથી દિવ્યાંગજનો ઈમારતોમાં ઉપલબ્ધ સુવિધા જાણી શકશે
Rajkot: જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા બહુમાળી ભવન ખાતેથી “સમાવેશી ભારત કી ઓર દિવ્યાંગજન યાત્રા”ના અનુસંધાને “સુગમ્ય યાત્રા” યોજાઈ હતી.
દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ તથા ચીફ કમિશ્નરશ્રી, દિવ્યાંગજનની કચેરી તેમજ કમિશ્નરશ્રી, દિવ્યાંગ વ્યક્તિઓ માટેના સહયોગથી ગુજરાત રાજ્યના દિવ્યાંગજનો માટે “સમાવેશી ભારત કી ઓર દિવ્યાંગજન યાત્રા”ના આયોજનના ભાગરૂપે ‘સુગમ્ય યાત્રા’ યોજાઈ હતી.
જેનો હેતુ જાહેર માલિકીની તમામ ઈમારતો દિવ્યાંગજનો માટે સુગમ્ય થાય તેવો હતો. સાથોસાથ જનજાગૃતિ હેતુસર આ યાત્રાનું આયોજન કરાયું હતું. દિવ્યાંગજનોની સરળતા માટે એપીડી દ્વારા તૈયાર કરાયેલી “Yes to Access” એપ્લિકેશનની મદદથી દિવ્યાંગજનો ઈમારતોમાં પાર્કિંગ, એપ્રોચ, ઇન્ટરનલ રુટ, ટોયલેટ બ્લોક, રેમ્પ સહિત માપદંડ મુજબની સુવિધા છે કે નહીં તે જાણી શકશે. ત્યારે યાત્રાના ભાગરૂપે આવેલા દિવ્યાંગજનોએ આ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરી હતી તથા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા જરૂરી માર્ગદર્શન અપાયુ હતુ. કલેકટરશ્રી પ્રભવ જોશીએ કલેકટર કચેરી ખાતે દિવ્યાંગજનો સાથે મુલાકાત કરી એપ્લિકેશન મદદરૂપ બનશે તેમ જણાવ્યું હતું.
આ તકે નોડલ ઓફિસર અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડો. પ્રાર્થનાબેન શેરસીયા, શ્રી વિકલાંગ યુનિક ટ્રસ્ટ, વિરાણી બહેરા-મુંગા શાળા, વી.ડી.પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ, અંધજન કલ્યાણ મંડળ, સ્નેહ સંસ્થા સહિત સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.