Rajkot: રાજકોટની કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે દિવ્યાંગ સાધન સહાય એસેસમેન્ટ કેમ્પ યોજાયો
તા.૧૮/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
૫૦૦થી વધુ લાભાર્થીઓએ વિવિધ યોજનાઓનો લાભ લીધો
Rajkot: રાજકોટ સ્થિત જૂની કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે દિવ્યાંગ સાધન સહાય એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરાયું હતું. દિવ્યાંગોને વિવિધ યોજનાકીય સહાય મળે તે માટે રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશીના નિર્દેશ મુજબ, જિલ્લાના દરેક તાલુકામાં દિવ્યાંગ સાધન સહાય મુલ્યાંકન કેમ્પ યોજવામાં આવ્યો છે. સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ભારતની ADIP સ્કીમના માધ્યમથી અલીમ્કો ઉજ્જૈન દ્વારા નિઃશુલ્ક દિવ્યાંગ સહાયક ઉપકરણ માટે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરાયું હતું.
જેમાં રાજકોટ શહેરના વોર્ડ નં. ૮થી ૧૪ વિસ્તારના આશરે ૫૩૦ લાભાર્થીઓએ વિવિધ યોજનાકીય લાભ લીધા હતા. ૮૦ લાભાર્થીઓના નવા ડૉક્ટરી સર્ટીફિકેટ/યુડીઆઈડી કાર્ડ ઇસ્યુ, ૧૬ લોકોના પી.એમ.જે.એ.વાય. કાર્ડ ઇસ્યુ, ૨૩ લોકોના આભા કાર્ડ ઇસ્યુ, ૨૧૩ લોકોના આવાકના દાખલા કઢાવવામાં આવ્યા અને એલીમ્કો દ્વારા મોટરાઈઝ બેટરી બાઈક, ટ્રાઈસીકલ, વ્હીલચેર, ટી.એલ.એમ કીટ, કાખઘોડી, વોકિંગ સ્ટિક, હિયરિંગ એડ, સુગમ્ય કેન, સિલિકોન ફોમ, ટેટ્રા પોર્ડ, સેલ ફોન, ADL કીટ, ફોલ્ડેબલ વોકર, જોયસ્ટીક વ્હિલચેર, ટ્રીપોડ સાઇઝ સહિતના સાધનો માટે ૩૫૭ લાભાર્થીઓને સહાયક ઉપકરણ મંજુર કરવામાં આવ્યા હતા. અને સમાજ સુરક્ષા કચેરી દ્વારા ૨૫ લાભાર્થીઓને યોજનાકીય લાભો મંજુર કરવામાં આવ્યા હતા.