Rajkot: શૈક્ષણિક સંસ્થાઓને “જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ” અંગેની અરજી કરવા સૂચના
તા.૧૨/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગાંધીનગર સ્થિત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬માં દરેક જિલ્લામાં “જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ” શરૂ કરવામાં આવનાર છે. જે અંતર્ગત પ્રથમ તબક્કમાં ઝોનમાં ૫ જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ (DLSC) શરૂ કરવા માટે રસ ધરાવતી સરકારી તથા ખાનગી કોલેજો કે અન્ય સંસ્થાઓએ તા.૧૫/૦૫/૨૦૨૫ થી તા.૩૦/૦૫/૨૦૨૫ સુધીમાં ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે.
જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ અંગેની ઓનલાઈન અરજી sportsauthority.gujarat.gov.in વેબસાઈટ પરથી કરી શકાશે. અને કોલેજ પસંદગી માટેના ધારા-ધોરણો રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના નિયત ઠરાવમાં દર્શાવ્યા મુજબના રહેશે. જે અનુસંધાને રાજયની હયાત યુનિવર્સિટી/યુનિવર્સિટીની માન્યતા ધરાવતી કોલેજની જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ તરીકે વિચારણા કરી શકાશે. UGC સાથે સંલગ્ન યુનિવર્સિટી અથવા યુનિવર્સિટી સંલગ્ન અનુદાનિત, બિન અનુદાનિત કે સ્વ-નિર્ભર કોલેજનો સમાવેશ કરી શકાશે. રમતના મેદાનો માટે ઓછામાં ઓછી ૫ એકર જમીનની ઉપલબ્ધિ યુનિવર્સિટી/ કોલેજમાં ઉપલબ્ધ મેદાન અને ઈન્ડોર રમતની માળખાકીય સુવિધાઓનો પણ સમાવેશ થશે. સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના જિલ્લા રમત સંકુલ નજીકની કોલેજ હોય તો તેને છુટછાટ આપી શકાશે તેમજ ડી.એલ.એસ.એસ. શાળાની નજીકની કોલેજ/યુનિવર્સિટીને અગ્રતા આપવામાં આવશે. ઓછામાં ઓછા ૨૦૦ વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ માટે હોસ્ટેલ સુવિધા અને પ્રાથમિક ખેલ સુવિધા તેમજ વિકસિત મેદાન ઉપલબ્ધ હોય તે પ્રથમ પસંદગીને પાત્ર રહેશે. “જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ” અંગેનો ઠરાવ sportsauthority.gujarat.gov.in ની વેબસાઈટ પરથી મેળવી શકાશે. તેમ ગાંધીનગર સ્થિત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના ડાયરેકટર જનરલશ્રીની યાદીમાં જણાવાયું છે.