GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ ખાતે મીડિયા કર્મીઓ માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

તા.૨૭/૧૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

રેડક્રોસના સહયોગથી આયોજિત કેમ્પમાં ૭૦ જેટલા પત્રકારોના મેડિકલ ટેસ્ટ કરાયા

Rajkot: પ્રધાનમંત્રી નરેદ્રભાઈ મોદીના ‘ફિટ ઈંડિયા – ફિટ મીડિયા’ વિઝન અંતર્ગત ચોથી જાગીર સ્વસ્થ રહી રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ આપે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. દેશવાસીઓના સ્વાસ્થ્ય માટે સતત ચિંતાશીલ પ્રધાનમંત્રીશ્રી દ્વારા મીડિયાકર્મીઓ માટે હેલ્થ ચેકઅપ દ્વારા તેઓ ફિટ રહે અને કોઈ આરોગ્ય સંલગ્ન ઈશ્યુ જણાય તો સત્વરે સારવાર કરાવી શકાય તે દૂરંદેશીથી પત્રકાર ભાઈઓ બહેનો માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં વિવિધ જિલ્લાઓમાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટ ખાતે આજરોજ મીડિયા કર્મીઓ માટે રેડક્રોસના સહયોગથી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમાં રાજકોટ અને મોરબીના પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. રેડક્રોસ સોસાયટીની અમદાવાદ અને રાજકોટની ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. અહીં જુદા-જુદા પ્રકારના બ્લડ રિપોર્ટ, એક્સ-રે, ઈ.સી.જી. ડેન્ટલ, મેમોગ્રાફી, પેપ સ્મિઅર ટેસ્ટ સહીતના રિપોર્ટ જરૂરિયાત મુજબ કરવામાં આવ્યા હતાં.

પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટના સંયુક્ત માહિતી નિયામક શ્રી મિતેષ મોડાસીયા, નાયબ માહિતી નિયામક શ્રી પ્રશાંત ત્રિવેદી સહિત અન્ય અધિકારીઓ દ્વારા મીડિયાકર્મી સાથે સંકલનમાં રહી કેમ્પમાં ૭૦ થી વધુ પત્રકારો ભાઈઓ, બહેનોના રિપોર્ટ્સની કામગીરીનું વ્યવસ્થાપન સંભળવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, તમામ પત્રકારોના કરાયેલા રિપોર્ટ્સની સોફ્ટ કોપી તેમને વોટ્સએપ નંબર પર મળી જશે, જ્યારે પ્રિન્ટ કોપી એક સપ્તાહમાં પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ ખાતેથી ઉપલબ્ધ બનશે.

આ તકે રાજકોટ રેડક્રોસ સોસાયટીના ચેરમેનશ્રી દિપકભાઈ નારોલા, વાઇસ ચેરમેન શ્રી ડો. એ.આર. ભપલ, રેડક્રોસ અમદાવાદ શાખામાંથી આવેલા લેબ ટેક્નિશિયનશ્રી મિતલબેન સોલંકી, રાધિકાબેન, શ્રી હિમાંશુભાઈ, એક્સરે ટેકનીશીયન શ્રી જીતુભાઈ તેમજ બલદેવભાઈ સહિતની ટીમ દ્વારા પત્રકારો માટે રજીસ્ટ્રેશનથી રિપોર્ટ સુધી સહયોગ તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!