GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: “સરકાર પેન્શનરને દ્વાર” રાજકોટ જિલ્લાના પેન્શનરો ઘરે બેઠા નિ:શુલ્ક ડિજિટલ જીવન પ્રમાણપત્ર મેળવી શકશે

તા.૨૭/૫/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ગુજરાત સરકારના પેન્શન મેળવતા કર્મચારીઓને દર વર્ષે જીવન પ્રમાણપત્ર આપવું પડે છે. ગુજરાત રાજ્યના સેવામાંથી નિવૃત થયેલ રાજકોટ જીલ્લાના પેન્શન મેળવતા પેન્શનરો અને કુટુંબ પેન્શનરોનું પેન્શન જે બેંકમાં જમા થાય છે તે બેંક ખાતે પેન્શનર રૂબરૂ જઈ દર વર્ષે કરવાની થતી હયાતી ખરાઈ જે-તે બેંકમા જઇ મે, જૂન અને જુલાઇ-૨૦૨૫ માસ દરમ્યાન તેઓના નામ તથા PPO નંબર સાથેની વિગતો ધરાવતા ફોર્મમાં પોતાની હયાતી ખરાઈ કરાવવાની થતી હતી.

“સરકાર પેન્શનરને દ્વાર”ના ખ્યાલને યથાર્થ કરવા ગુજરાત સરકારનાં નાણા વિભાગ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેન્ક વચ્ચે થયેલી સમજૂતી મુજબ પેન્શનરોને ડિજિટલ જીવન પ્રમાણપત્રની સુવિધા ડાકઘરોમાં અથવા તેમના ઘરે મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ સેવાનો તમામ ખર્ચ રાજ્ય સરકાર વહન કરશે. આ સેવા નેશનલ ઇન્ફર્મેટિકસ સેન્ટર દ્વારા વિકસિત ‘જીવન પ્રમાણ’ એપ્લિકેશન દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકોના માધ્યમથી આ સેવા મફતમાં આપવામાં આવી રહી છે.

દૂરના વિસ્તારોમાં રહેતા પેન્શનરો પણ સહેલાઇથી આ સેવાનો લાભ મેળવી શકશે. આ માટે પેન્શનરે પોતાનો આધાર નંબર, મોબાઇલ નંબર તથા પેન્શન પેમેન્ટ ઓર્ડર નંબર આપવો પડશે. જીવન પ્રમાણપત્ર જનરેશન પ્રક્રિયા પૂરી થયા પછી પેન્શનરને મોબાઇલ નંબર પર પ્રમાણ આઇ.ડી. એસ.એમ.એસ. દ્વારા મળશે. તેના આધારે (https://leevanpramaan.gov.in/ppouser/login) આપેલ સાઇટ પરથી પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાય છે. ડિજિટલ બાયોમેટ્રિક પ્રમાણિત પ્રક્રિયા દ્વારા પેન્શનરોને મિનિટોમાં જ ડિજિટલ નકલ પેન્શન ઓફિસ સુધી પણ પહોંચાડી દેવામાં આવશે.

આ નિર્ણયના કારણે રાજકોટ જિલ્લાના પેન્શનરોને ઘરે બેઠા આ સેવાનો લાભ મળશે. તેમ પેન્શન ચૂકવણા અધિકારીશ્રી પી.એમ.જાડેજાની યાદીમાં જણાવેલ છે.

Back to top button
error: Content is protected !!