Rajkot: ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું “ડાયાબિટીસ મુક્ત ગુજરાત” અભિયાન
તા.૨૫/૧૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
યોગાભ્યાસમાં ઉત્સાહભેર સહભાગી બનતા રાજકોટવાસીઓ
Rajkot: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૪ થી ૨૮ નવેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં યોગ દ્વારા “ડાયાબિટીસ મુક્ત ગુજરાત” અભિયાન ચાલી રહ્યું છે. જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકાના વેસ્ટ ઝોન કોર્ડીનેટર ગીતાબેન સોજીત્રા દ્વારા સરદાર પટેલ ભવન માયાણી ચોક શિબિર સ્થળ પર પ્રથમ સપ્તાહમાં જ સકારાત્મક પરિણામો મળતા યોગ કરનારાઓનો ઉત્સાહ વધ્યો છે.
આ યોગ શિબિરમાં ડાયાબિટીસને કાબુમાં રાખવામાં મદદરૂપ બનતા આસનો ઉપરાંત સૂર્યનમસ્કારનો અભ્યાસ કરાવવામાં આવે છે. તા.૨૩ અને ૨૪ નવેમ્બર દરમિયાન શિબિરમાં યોગ ટ્રેનર અને સ્વાસ્થ્ય કોચ ડો. એકતાબેન જોટંગીયા તથા ડો. મહેશભાઈ જોટંગીયા દ્વારા ડાયાબિટીસ રોગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
૨૮ તારીખ સુધી ચાલનારી આ યોગ શિબિરમાં અનેક લોકો ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. લાફિંગ થેરાપિસ્ટ જીતેન્દ્રભાઈ ઠક્કર અને તેમના પુત્ર પરાગ ઠક્કર દ્વારા હાસ્ય સેશન લેવામાં આવ્યું હતું. આ શિબિરમાં સીતારામ ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક જોષીભાઈ દ્વારા દરરોજ ડાયાબિટીસને લગતા જ્યુસ વ્યક્તિદીઠ દસ રૂપિયાના ભાવે આપવામાં આવે છે. સંચાલક શ્રી રૂપલબેન, કિંજલબેન ઘેટીયા, ભાવનાબેન ગામી તેમજ ડો. કલ્પેશભાઈ પાડલીયા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના રાજકોટ મહાનગરપાલિકાના ટ્રેનર્સ ખૂબ જ ઉત્સાહ સાથે રાજકોટવાસીઓને વિવિધ યોગ અને આસનોનો અભ્યાસ કરાવી રહ્યા છે.