GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રમત-ગમત ક્ષેત્રે ભારતનો વિશ્વમાં ડંકો, રમતવીરોનું ભવિષ્ય ઉજ્જવળ — સાંસદ શ્રી પરષોત્તમ રૂપાલા

તા.૩૦/૧૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ ખાતે ૬૮મી શાળાકીય રાષ્ટ્રીય તરણ સ્પર્ધા સંપન્ન – સાંસદશ્રીના હસ્તે ચેમ્પયનશીપ ટ્રોફી વિતરણ

મહારાષ્ટ્ર ૨૨ ગોલ્ડ સહીત ૫૫ મેડલ સાથે અવ્વલ, અન્ડર -૧૭ બોયઝ, ગર્લ્સ અને ડાઇવિંગમાં ચેમ્પિયન

Rajkot: રાજકોટના કોઠારીયા રોડ પર આવેલા સરદાર પટેલ સ્નાનાગર ખાતે આયોજિત રાષ્ટ્રીય કક્ષાની શાળાકીય તરણ સ્પર્ધા આજરોજ સંપન્ન થતા સાંસદ શ્રી પરષોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત ક્લોઝિંગ સેરેમની યોજાઈ હતી. જેમાં સાંસદશ્રીના હસ્તે ચેમ્પયનશીપ ટ્રોફી વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તરવૈયાઓનો ઉત્સાહ વધારતા શ્રી રૂપાલાએ દેશભરમાંથી આવેલા સ્પર્ધકોનું સરદાર, ગાંધી અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ એવા ગુજરાતમાં સ્વાગત અને અભિવાદન કરતા જણાવ્યું હતું કે, રમત ગમત ક્ષેત્રે આજે ભારત વિશ્વભરમાં ડંકો વગાડી રહ્યું છે અને ભારતીય ખેલાડીઓનું ભવિષ્ય ખુબ જ ઉજ્જવળ છે.

આગામી સમયમાં ગુજરાત અને ભારત ઓલમ્પિક ગેમ્સ માટે તૈયારી કરી રહ્યું છે, ત્યારે સૌ ખેલાડીઓ ભારત વતી ઓલમ્પિકમાં ભાગ લઈ દેશનું ગૌરવ વધારે તેવી શુભકામના સાંસદશ્રીએ પાઠવી હતી. તેઓએ તરણને ઈશ્વરીય દેન ગણાવી તેને વધુ સારી રીતે નીખારવાનું આપણા હાથમાં હોવાનું કહી સ્પર્ધકોને વધુ ને વધુ ઉત્કૃષ્ઠ દેખાવ કરવા પ્રોત્સાહિત કર્યા હતાં.

આ તકે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણીએ આજની ઇવેન્ટમાં સમગ્ર દેશમાંથી વિશાળ સંખ્યામાં આવેલા સ્પર્ધકોનું સ્વાગત કરી વિજેતાઓને અભિનંદન પાઠવ્યાં હતાં. તેમજ વિજેતા સ્પર્ધકો ભારતનું નામ વિશ્વમાં રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.

રાજકોટ ખાતે તા. ૨૪ નવેમ્બરથી આયોજિત રાષ્ટ્રીય કક્ષાની શાળાકીય તરણ સપર્ધામાં કુલ ૧૦ ઇવેન્ટ રમાઈ હતી. જેમાં મહારાષ્ટ્ર એ સૌથી વધુ ૨૨ ગોલ્ડ અને કુલ ૫૫ મેડલ સાથે પ્રથમ ક્રમ હાંસિલ કર્યો છે. તેમજ અન્ડર -૧૭ બોયઝ, ગર્લ્સ અને ડાઇવિંગમાં મહારાષ્ટ્ર ટીમ ચેમ્પિયન બની છે. જયારે બીજા ક્રમે કર્ણાટક રાજ્યને ૧૯ ગોલ્ડ સહીત કુલ ૪૨ મેડલ અને ત્રીજા ક્રમે સી.બી.એસ.ઈ ગ્રુપને ૧૬ ગોલ્ડ સાથે કુલ ૩૧ મેડલ પ્રાપ્ત થયા છે.

પોઇન્ટ મુજબ અન્ડર-૧૪ બોયઝમાં ૭૬ પોઇન્ટ સાથે મણિપુર, અન્ડર-૧૭ બોયઝમાં મહારાષ્ટ્ર ૧૦૮ પોઇન્ટ તેમજ અન્ડર-૧૯ બોયઝમાં ૧૨૨ પોઇન્ટ સાથે કર્ણાટક, જયારે અન્ડર -૧૪ ગર્લ્સમાં ૧૨૩ પોઇન્ટ સાથે સી.આઈ.એસ.સી.ઈ, અન્ડર-૧૭ ગર્લ્સમાં 109 પોઇન્ટ સાથે મહારાષ્ટ્ર અને અન્ડર-૧૯ ગર્લ્સમાં ૧૨૬ પોઇન્ટ સાથે કર્ણાકટ તેમજ ડાઇવિંગમાં ૧૯૨ પોઇન્ટ સાથે મહારાષ્ટ્ર ચેમ્પિયન બન્યું છે. જયારે કેન્દ્રીય વિદ્યાલયમાંથી ભાગ લેનાર રાજકોટના તરણવીર હીર પિત્રોડાએ બે ગોલ્ડ મેળવી રાજકોટનું નામ રોશન કર્યું છે.

સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સ્વિમિંગ એસોસિએશન દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાની અખિલ ભારતીય શાળાકીય સ્વીમીંગ સ્પર્ધાના વિજેતા અને ચેમ્પિયન ટીમને સાંસદ શ્રી રૂપાલા તેમજ મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

આ તકે અગ્રણીઓ સર્વેશ્રી મનીષભાઈ રાડિયા, રાજકોટ ડીસ્ટ્રીકટ સ્વિમિંગ એસોસિએશનના શ્રી ઉમેશ રાજ્યગુરુ, ઇન્ટરનેશનલ રેફરી શ્રી કમલેશભાઈ નાણાવટી, વિવિધ ફેડરેશનના અગ્રણીઓ શ્રી રાજકુમાર ગુપ્તા, સ્પોર્ટ્સ ઓથોરિટી વિભાગના અધિકારીશ્રીઓ, રિજિયોનલ સ્વિમિંગ કોચ, ટેક્નિકલ ટીમ, આસિસ્ટિન્ગ ટીમ, ૩૫ જેટલા રાજ્યમાંથી આવેલા કોચ અને તરણ સ્પર્ધકો આ સેરેમનીમાં ઉપસ્થિત રહ્યા હતાં.

Back to top button
error: Content is protected !!