Rajkot: “મેદસ્વિતામુક્ત ગુજરાત, સ્વસ્થ ગુજરાત” માત્ર ૦૩ મહિનામાં ૩૨ કિલોગ્રામ હેલ્ધી વેઇટ લોસ કરતાં શ્રી ડો. પ્રદીપભાઈ દવે
તા.૨૩/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન : માર્ગી મહેતા
વજન ઘટ્યા પછી સ્ફૂર્તિનો અનુભવ થાય છે : શ્રી પ્રદીપભાઈ
પૌષ્ટિક આહાર અને શારીરિક પ્રવૃત્તિ થકી ૧૦૪ કિલોમાંથી ૭૨ કિલો વજન થયું
Rajkot: રાજકોટમાં રહેતા રંગોળી કલાકાર અને ગુજરાત સરકારના ભૂતપૂર્વ કર્મચારી શ્રી ડો. પ્રદીપભાઈ દવે, જે એક સમયે ૧૦૪ કિલો વજન ધરાવતા હતા, તેમણે વજન ઘટાડીને ૭૨ કિલો કર્યું અને હાલ સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. તેમના વજન ઘટાડવાના પ્રેરણાદાયક પ્રયાસો ‘મેદસ્વિતામુક્ત ગુજરાત, સ્વસ્થ ગુજરાત’ અભિયાન માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
શ્રી પ્રદીપભાઈ આ અભિયાનની સરાહના કરતા જણાવે છે કે, હાલમાં રાજ્ય સરકાર દ્વારા “મેદસ્વિતામુક્ત ગુજરાત” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, તે ખરેખર અભિનંદનને પાત્ર છે. કારણ કે તેનાથી લોકોમાં શરીરની સ્થૂળતા દૂર કરવાની જાગૃતતા આવી રહી છે. તેઓ ભારપૂર્વક કહે છે કે, જો શરીરમાં વધારે ચરબી હોય તો અનેક તકલીફ થાય છે, આળસ આવે છે, ચરબી નવા-નવા રોગને આમંત્રણ આપે છે. આથી, હેલ્ધી વેઇટ લોસ કરવો જરૂરી છે. શરીરમાંથી નકામી ચરબી દૂર કરી, શરીર કાયમી સ્વસ્થ રહે, તેવા પ્રયત્નો કરવા જોઈએ.
તેઓ પોતાની વાત કરતા કહે છે કે મારું ૧૦૪ કિલો વજન હતું, જેમાંથી ૭૨ કિલો વજન કર્યું, તે પણ હેલ્ધી ફૂડ અપનાવીને. શરીરમાં જેની ઉણપ હોય એવા પોષક તત્વો શરીરને આપી અને નકામી ચરબીને પરસેવા થકી દૂર કરીને તંદુરસ્ત રહી શકાય છે. આજના સમયમાં હાનિકારક ખાદ્ય પદાર્થો ખાઈએ છીએ, તેનાથી કોલેસ્ટ્રોલ, બી.પી., હાઈપરટેન્શન જેવા રોગો આવે છે. જ્યારે શરીર હળવું હોય, ત્યારે વ્યક્તિ પતંગિયાની જેમ હરી-ફરી શકે છે. બિનજરૂરી ચરબી ન હોય તો, નવા રોગો શરીરમાં પ્રવેશતા નથી.
શ્રી પ્રદીપભાઈએ માત્ર ત્રણ મહિનામાં ૩૨ કિલો વજન ઘટાડ્યું. આ કોઈ ચમત્કાર નહોતો, પરંતુ તેમની દ્રઢ નિશ્ચય અને શિસ્તબદ્ધ જીવનશૈલીનું પરિણામ હતું. તેમણે વજન ઉતારવા માટે દિનચર્યામાં – ૦૫થી ૦૭ લિટર પાણી પીવું, લીંબુવાળું હુંફાળું પાણી પીવું, ફણગાવેલા મગ અને ચણા જેવા પૌષ્ટિક આહારનું સેવન, ઘઉં, ચોખા, બટેટા, કેળા અને કેરી જેવા ચરબીયુક્ત આહારના ત્યાગનો સમાવેશ કર્યો હતો. શરીરને પ્રોટીન આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને તેઓ નિયમિતપણે કસરત, ચાલવું અને જમ્પિંગ જેવી શારીરિક પ્રવૃત્તિઓ કરતા હતાં.
વજન ઘટાડ્યા પહેલા અને પછીના જીવન વિશે વાત કરતા તેઓ કહે છે કે, વધારે વજન હતું ત્યારે આળસ ઘેરી વળતી, પગથિયાં જાણે ડુંગર ચડવા જેવા લાગતા અને રાત્રે પૂરતી ઊંઘ કરી હોવા છતાં સવારે ઊંઘ આવતી, શરીર સતત સુસ્ત રહેતું. પરંતુ હવે વજન ઘટ્યા પછી એનર્જીનો અનુભવ થાય છે અને ૧૮ કલાક સુધી કામ કરી શકું છું. શ્રી પ્રદીપભાઈ સલાહ આપે છે કે શરીરને નુકસાન થાય તે રીતે ચરબી ઘટાડવી ન જોઈએ. વજન ઘટાડવા માટે તબીબનું માર્ગદર્શન લેવું અત્યંત જરૂરી છે. માત્ર ખાવાનું બંધ કરી દેવાથી વજન ઓછું થતું નથી, પરંતુ યોગ્ય પ્રમાણમાં કસરત અને યોગ થકી શરીરને પ્રમાણસર બનાવવું જોઈએ.
આપણે સૌ ‘મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાનમાં જોડાઈએ અને શરીરને સ્વસ્થ રાખવા માટે કાળજી લઈએ. જો વજન વધારે હોય તો યોગ્ય માર્ગદર્શન મેળવીને વજન ઓછું કરીએ. જન-જનનું શરીર સ્વસ્થ હશે તો જ રાષ્ટ્ર સ્વસ્થ બનશે અને દેશ પ્રગતિ કરી શકશે, તેમ તેમણે ઉમેર્યું હતું. આમ, શ્રી પ્રદીપભાઈએ વજન ઘટાડ્યા બાદ તેમના જીવનમાં સારું પરિવર્તન આવ્યું છે અને એક સ્વસ્થ જીવનશૈલી પ્રાપ્ત થઈ છે.