Rajkot: રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સ્પેશિયલ મોનિટર શ્રી બાલકૃષ્ણ ગોયલે લીધી વિનોબા ભાવે પ્રા. શાળા તથા વૃધ્ધાશ્રમની મુલાકાત
તા.૨૩/૧૦/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે વિશિષ્ટ શિક્ષકની નિયુકિત, વૃધ્ધોને પેન્શન અપાવવા કેમ્પના આયોજનની તાકીદ કરતાં શ્રી ગોયલ
Rajkot: રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સ્પેશિયલ મોનિટર શ્રી બાલકૃષ્ણ ગોયલે રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી વિનોબા ભાવે પે. સેન્ટર શાળા નં. ૯૩ તેમજ રાજકોટના સૌથી જૂના અને અખિલ હિન્દ મહિલા પરિષદ સંચાલિત શ્રી રમણીક કુંવરબા વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી.
શાળાની મુલાકાત દરમિયાન શ્રી ગોયલે બાળકોને આપતા મધ્યાહન ભોજનના અનાજ તેમજ ભોજનની ચકાસણી કરી શિક્ષકો સાથે ચર્ચા કરી હતી, સાથે બાળકોની મુલાકાત કરી, ઉત્સાહસભર સંવાદ કરી બાળકોને કારકિર્દી માર્ગદર્શન પણ આપ્યું હતું. શ્રી ગોયલે શિક્ષકોને કહ્યું હતું કે, બાળકોને શિક્ષકો અને શિક્ષણ ગમવા જોઈએ. ભણતર ભારપૂર્વકનું ન લાગવું જોઈએ, માત્ર કોર્ષ પૂરો કરાવવો એ જ શિક્ષકોની જવાબદારી નથી, બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાને લઈ, તેમને પડતી મુશ્કેલીઓ અને તેમના શારીરિક-માનસિક સ્વાસ્થ્ય માટે પણ શિક્ષકોએ સતત સચેત રહેવું જોઈએ. તેમણે વિનોબા ભાવે પે.સેન્ટર શાળામાં અભ્યાસ કરતા ૩૮ દિવ્યાંગ બાળકો માટે વિશિષ્ટ શિક્ષકની વ્યવસ્થા કરવા જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી પટેલને તાકીદ કરી હતી.
શ્રી રમણીકકુંવરબા વૃદ્ધાશ્રમની મુલાકાત દરમિયાન સ્પેશિયલ મોનીટર શ્રી ગોયલે વૃદ્ધો સાથે મુલાકાત કરી તેમના ભોજન, દવા અને અન્ય સુવિધાઓ વિશે ચર્ચા કરી હતી. આશરે ૪૦ જેટલા વૃદ્ધોને વૃદ્ધ પેન્શન અપાવવા માટે વિશેષ કેમ્પ યોજવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને તેમણે સૂચના આપી હતી અને આશ્રમના સંચાલક શ્રી ભાવનાબેન જોશીપુરાને દરેક વૃદ્ધની અલાયદી ફાઈલ બનાવી, નામ, કારણ, વૃદ્ધના મેડિકલ રેકોર્ડ સહિતની તમામ બાબતોની નિયમિત નોંધણી ફાઈલમાં નિભાવવા જણાવ્યું હતું.
આ મુલાકાત દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી શ્રી દિક્ષિત પટેલ, સમાજ સુરક્ષા અધિકારી શ્રી સંતોષ રાઠોડ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો. અલ્પેશભાઈ ગોસ્વામી, પોલીસ વિભાગના કર્મચારીઓ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.