GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: પ્રધાનમંત્રી આવાસ યોજના બની સામાજિક ઉત્થાનનું માધ્યમ” પી.એમ.એ.વાય(શહેરી)યોજના હેઠળ રાજકોટ જિલ્લામાં ૨૧૬૭ લાભાર્થીઓને મળ્યા શહેરમાં આશિયાના

તા.૯/૪/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

આલેખન: ડો. દિવ્યા ત્રિવેદી

સુવિધાયુક્ત આવાસને કારણે હવે અમારો પરિવાર ખુશ અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર બન્યો છે લાભાર્થી શ્રી પ્રવિણભાઈ વાળા

Rajkot: “દો દિવાને શહેર મે, રાત મે ઔર દો પહેર મે, આબોદાના ઢૂંઢતે હૈ ઈક આશિયાના ઢૂંઢતે હૈ” ઘરોન્દા ફિલ્મનું આ લોકપ્રિય ગીત વર્ષો સુધી શહેરમાં પોતાના ઘરની કલ્પના અને તેના માટેના સંઘર્ષનુ સચોટ ચિત્ર બની રહ્યું છે. શહેરમાં પોતાનું ઘર બને તેવી વાતો લોકોને દિવાસ્વપ્ન જેવી લાગતી… પરંતુ હવે આ સ્વપ્ન હકીકત બન્યાં છે.

પ્રધાનમંત્રી આવાસ યોજનાથી આજે અનેક લોકોને પોતાના સપનાનું ઘર મળ્યું છે. શહેરમાં એક સામાન્ય માણસને પોતાનું ઘર હોવું એ ખૂબ મોટી વાત છે ત્યારે સરકાર દ્વારા નાગરિકોને શહેરી વિસ્તારોમાં સુવિધાયુક્ત પાકા આવાસો મળે તેમજ શહેરી વિસ્તારોમાં પણ દરેકને પોતાના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય તે ઉદ્દેશ્ય સાથે લાભાર્થીઓને વ્યક્તિગત આવાસ માટે નવું બાંધકામ કરવા કે હયાત બાંધકામમાં વધારો કરવા માટે પણ વિશેષ સહાય આપવામાં આવે છે.

મુખ્યમંત્રી ગૃહ યોજના તથા પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા મહાનગરપાલિકા કે નગરપાલિકામાં વસતા લાભાર્થીઓ કે જેમની પાસે પોતાની માલિકીની જમીન હોય તેમાં નવા બાંધકામ માટે તેમજ કાચા-અર્ધપાકા જર્જરીત મકાનોને ઉતારી કે તેમાં ફેરફાર કરી પાકું મકાન બનાવવા કે હયાત મકાનમાં ફેરફાર કે વૃધ્ધિ કરવા માટે પણ સરકાર સહાય આપે છે.આ યોજના હેઠળ રાજકોટ જિલ્લામાં હાલ સુધીમાં ૨૪૪૨ મકાનોને મંજૂરી આપવામાં આવી છે જેમાંથી ૨૧૬૭ મકાનો પાકા બની હાલ તૈયાર છે.

બીએલસી એટલે કે વ્યક્તિગત આવાસ માટે બાંધકામ અથવા વૃદ્ધિની યોજના અંતર્ગત નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં ધોરાજી નગરપાલિકા અંતર્ગત ૨૨, ઉપલેટા નગરપાલિકામાં ૨૬ તેમજ જસદણ નગરપાલિકામાં ૬૪ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે. જેમાં ધોરાજી ખાતે પોતાનો પાકો મકાન બનતા લાભાર્થી પ્રવીણભાઈ નાથાભાઈ વાળાએ સરકારનો આભાર વ્યક્ત કરતા પોતાની કથની જણાવી હતી.

પ્રવિણભાઈએ જણાવ્યું હતું કે, હું છૂટક દૈનિક મજૂરી કામ કરુ છું. મારા સહિત ચાર લોકોનો અમારો પરિવાર અર્ધ-પાકા મકાનમાં રહેતો હતો. ચોમાસા દરમિયાન ઘરમાં છત પરથી પાણી ટપકતું અને ચોમાસાના મહિનાઓમાં અમારા માટે ઘરમાં રહેવું ખૂબ જ મુશ્કેલ હતું. મારી ટૂંકી આવક અને બે બાળકો હોવાથી હું લીકેજ બંધ કરાવવા ઘરનું સમારકામ કરી શકું એવી સ્થિતિ નહોતી. ત્યારે શહેરની આસપાસ પાકું ઘર ખરીદવું કે બનાવવું તો મારી કલ્પના બહાર હતું.

સ્વચ્છતા, ગોપનીયતા, ડ્રેનેજ, જગ્યા અને બાળકોનાં ભવિષ્ય જેવા અન્ય ઘણા પ્રશ્નો હતા. પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજનાને કારણે હાલમાં અમે શહેરની સીમામાં પાકા મકાનમાં રહીએ છીએ. રોજિંદા પરિવારની જરૂરિયાતો પૂરી કરવા કામ તરફ ધ્યાન આપી શકાય છે. હવે મારી પત્ની પણ ઘરેથી કામ કરીને પરિવાર માટે પૈસા કમાઈ શકે છે, અમારૂ જીવનધોરણ સુધર્યું છે.

પી.એમ.એ.વાય યોજનાના પરિણામે આજે પ્રવિણભાઈનો પરિવાર ખુશ અને સકારાત્મક ઉર્જાથી ભરેલો છે કારણ કે હવે તેમને તેમના જૂના ઘરમાં થતી બધી સમસ્યાઓમાંથી મુક્તિ મળી છે જે માટે તેઓએ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી આ યોજના અંત:કરણથી આભાર વ્યક્ત કર્યો હતો.

પી.એમ.આવાસ યોજનાએ ગહન સામાજિક પરિવર્તન લાવ્યું છે, તેણે લોકોને એક ઓળખ આપી, અનેક પરિવારના અસ્તિત્વમાં અને રોજગાર માટે પણ મદદ કરી છે. આમ, નાગરિકોના સ્વપ્ન પૂર્ણ કરી સુરક્ષિતતાની અનુભૂતિ કરાવતી આ યોજના અનેક પરિવારોના ત્વરિત સામાજિક ઉત્થાનનું માધ્યમ બની છે.

Back to top button
error: Content is protected !!