Rajkot: રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને એ.સી.-ફ્રીજ રીપેરીંગ તાલીમનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો
તા.૨૯/૧૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત એ.સી., ફ્રીજ, મોબાઇલ રીપેરીંગ અને ફોટોગ્રાફી-વિડિયોગ્રાફીની આવાસીય તાલીમનું આયોજન
Rajkot: રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તા. ૨૯ નવેમ્બર, ૨૦૨૪ના રોજ આરસેટી (સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટ) ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એન.આર.એલ.એમ.) અંતર્ગત ગ્રામ્ય વિસ્તારના સખી મંડળના સભ્યોના કુટુંબના બેરોજગાર યુવકો માટે એરક્ન્ડીશનર અને રેફ્રીજરેટર રીપેરીંગ તાલીમનું આયોજન કરાયું છે. જેનો ઉદ્ઘાટન કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. આ તાલીમમાં રાજકોટ જિલ્લાના વિવિધ ગામોમાંથી આવેલા ૩૫ જેટલા યુવકો એ.સી. અને ફ્રીજની રીપેરીંગ તાલીમ લઇ રહ્યા છે.
આ ઉપરાંત, ડી.આર.ડી.એ. અને આરસેટી દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત મોબાઇલ રીપેરીંગ અને ફોટોગ્રાફી-વિડિયોગ્રાફીની તાલીમ પણ શરૂ કરવામાં આવી છે. જેમાં ૪૦ જેટલા યુવકો નિ:શુલ્ક તાલીમ લઇ રહ્યા છે. આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી એ. કે. વસ્તાણી, આરસેટી નિયામકશ્રી વિજયસિંહ આર્ય, ડી.એલ.એમ.શ્રી વી.બી.બસીયા, એ.પી.એમ.શ્રી એલ્વિશભાઇ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આવાસીય તાલીમમાં તાલીમાર્થીઓને રહેવા-જમવાની નિ:શુલ્ક સુવિધા આપવામાં આવે છે. તાલીમાર્થીઓને તાલીમ પૂર્ણ થયા બાદ એ.સી. અને ફ્રીજ રીપેરીંગ માટે ઉપયોગી એવી કિટ પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. સાથેસાથે સફળ ઉદ્યોગ સાહસિક બનવા માટે વિવિધ બિઝનેસ ગેમ્સ, ફાઇનાન્સિયલ લીટરસી, વિવિધ સબસીડાઇઝ્ડ લોન અંગે શીખવવામાં આવે છે. આમ, યુવાનોને આત્મનિર્ભર બનાવીને આર્થિક અને સામાજિક રીતે આગળ આવે, તેવો પ્રયાસ કરવામાં આવે છે, તેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની યાદીમાં જણાવાયું છે.