BHARUCH

શિક્ષક દંપતીની લોહીથી લથપથ લાશો મળી:દિવસભર બંગલો બંધ રહેતા પાડોશીઓએ પોલીસ બોલાવી, ઉચ્ચઅધિકારીઓ ઘટનાસ્થળે દોડ્યા, હત્યાની શંકા

ભરૂચના વાલીયામાં પોતના જ ઘરમાંથી શિક્ષક દંપતીની લોહીથી લથપથ લાશો મળી આવવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. બુધવારે (તારીખ. 05/03/2025)ના રોજ આખો દિવસ દંપતીનો બંગલો બંધ રહેતા પાડોશીઓે શંકા ગઇ હતી. જેથી પાડોશીઓએ મોડી સાંજે પોલીસને જાણ કરી હતી. પોલીસ દરવાજો તોડીને અંદર પ્રવેશી તો દંપતીના મૃતદેહ મળ્યા હતા.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ભરૂચના વાલીયામાં ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા અને વિજયનગર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક જીતેન્દ્રસિંહ બોડાદરા અને ભિલોડ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા તેમના પત્ની લતાબેન બોડાદરાના મૃતદેહ તેમના જ ઘરમાંથી લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા છે.
બુધવારે (તારીખ. 05/03/2025)ના દંપતીની અવરજવર ન દેખાતા પાડોશીએ ઘણી વખત ડોરબેલ વગાડ્યો હતો. જોકે, અંદરથી કોઇ જવાબ ન મળતાં અંતે મોડી સાંજે દસેક વાગ્યાના અરસામાં પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે મકાનનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો ત્યારે બંને પતિ-પત્નીના મૃતદેહ મળી આવ્યા હતા. બંને મૃતદેહ પર તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા હતા.
ઘટનાની જાણ થતાં ઝઘડિયાના એ.એસ.પી. અજય કુમાર મીણા, ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે. હાલ પોલીસ આ કેસમાં હત્યા કે આત્મહત્યાની દિશામાં તપાસ કરી રહી છે. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.
આ અંગે ઝઘડીયા એએસપી અજયકુમાર મીણાએ જણાવ્યું હતું કે, મોડી સાંજે દસ વાગ્યાના અરસામાં દંપતનીના પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી કે, ઘરનો દરવાજો કોઇ નથી ખોલતું. જેથી પોલીસની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને દરવાજો તોડીને અંદર પ્રવેશ કરતાં પતિ-પત્ની બંનેના મૃતદેહ પડ્યા હતા. હાલ મૃતદેહને પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યા છે અને આ હત્યા છે કે આત્મહત્યા છે એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

Back to top button
error: Content is protected !!