Rajkot: રાજકોટ જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ, શહેર-જિલ્લાના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા થઈ
તા.૧૮/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક ઈન્ચાર્જ જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
આ બેઠકમાં રાજકોટના મેયર શ્રીમતિ નયનાબહેન પેઢડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ પ્રવિણાબહેન રંગાણી, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ડૉ. દર્શિતાબહેન શાહ, ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરિયાએ જનહિતલક્ષી વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. આ મામલે વિવિધ વિભાગ દ્વારા થતી કામગીરી તેમજ આગામી સમયમાં થનારી કામગીરીની વિગતો રજૂ કરાઈ હતી. સમિતિ અધ્યક્ષશ્રી દ્વારા આ રજૂઆતો સંદર્ભે યોગ્ય કામગીરી ઝડપથી કરવા સુચના આપવામાં આવી હતી.
ઉપસ્થિત પદાધિકારીશ્રીઓ દ્વારા અનાજ વિતરણ વ્યવસ્થા, નવા વિસ્તારોમાં સસ્તા અનાજની દુકાનો શરૂ કરવાની સંભાવનાઓ, લાભાર્થીઓને આવાસની ફાળવણીની પ્રક્રિયા ઝડપથી કરવા સહિતના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ જનકલ્યાણની ભાવના સાથે દરેક વિભાગના અધિકારીશ્રીઓને આગોતરા આયોજન સાથે કામગીરી કરવા પર ભાર મૂક્યો હતો.
આ બેઠકમાં જિલ્લા નોંધણી સર નિરીક્ષક અધિકારી શ્રી ડી.જે. વસાવા દ્વારા વિવિધ બાબતો પરની સ્ટેમ્પ ડ્યુટી અંગે સમજૂતી આપવામાં આવી હતી. ખૂટતી કે અધૂરી સ્ટેમ્પ ડયુટીવાળા દસ્તાવેજ માન્ય ન ગણાય, તે બાબત પર ભાર મુકાયો હતો.
આ બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ. કે. વસ્તાણી, રાજકોટ જિલ્લા પોલીસ વડા શ્રી હિમકર સિંહ, ટ્રાફિક ડીસીપી સુશ્રી પૂજા યાદવ, નિવાસી અધિક કલેકટર શ્રી એ.કે. ગૌતમ, રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના ચેરમેન શ્રી જી. વી. મિયાણી, નાયબ વન સંરક્ષકશ્રી, નગર પાલિકાના પ્રાદેશિક કમિશનરશ્રી કચેરીના અધિક કલેકટર સુશ્રી ઇલાબહેન ચૌહાણ, જિલ્લાના પ્રાંત અધિકારીશ્રીઓ, અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.