Rajkot: રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ૨ સપ્ટેમ્બરે ‘વિરાસતથી વિકાસ લોકમેળા’નું વિધિવત ઉદ્ઘાટન

તા.૧/૯/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
૨ સપ્ટેમ્બરથી ૬ સપ્ટેમ્બર સુધી રેસકોર્સમાં જામશે જન્માષ્ટમીના પરંપરાગત લોકમેળાની રંગત
ઈતિહાસમાં પહેલીવાર લોકમેળામાં ગૂંજશે નેવી બેન્ડનો શૌર્યનાદ:જાણીતા કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ
લોકમેળાનો આનંદ માણવા નાગરિકોને રાજકોટ જિલ્લા વહીવટી તંત્રનું જાહેર નિમંત્રણ
Rajkot: રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી રેસકોર્સ ખાતે આયોજીત ‘વિરાસતથી વિકાસ લોકમેળા-૨૦૨૬’નું ૨ સપ્ટેમ્બરે સાંજે ૪.૩૦ કલાકે વિધિવત ઉદઘાટન કરશે. આ સાથે પાંચ દિવસીય પરંપરાગત લોકમેળાની રંગત જામશે.
લોકમેળા સમિતિ અને જિલ્લા વહીવટી તંત્ર, રાજકોટ દ્વારા સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ, વિરાસત અને વિકાસના સંગમરૂપ એવા જન્માષ્ટમીના ‘વિરાસતથી વિકાસ લોકમેળા’નું રેસકોર્સ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ પાંચ દિવસીય લોકમેળાનો ઉદ્ઘાટન સમારોહ ૨ સપ્ટેમ્બર ને બુધવારે સાંજે ૪.૩૦ કલાકે યોજાશે. જેમાં રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાથે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહેશે.
રાજકોટના લોકમેળાના ઈતિહાસમાં પહેલીવાર વિશ્વભરમાં ઉત્કૃષ્ટ પરફોર્મન્સ માટે જાણીતું ભારતીય નેવીબેન્ડ પ્રથમ બે દિવસ દેશભક્તિના સૂર રેલાવશે. તેમજ મેળામાં દરરોજ બપોરે ૩થી સાંજે ૮ વાગ્યા દરમિયાન વિવિધ કલાકારો (ગાયકો, લોકસાહિત્યકારો/ડાયરાના કલાકારો અને નૃત્ય વૃંદો) વિવિધ પ્રસ્તુતિઓ કરશે. લોકગાયક શ્રી ગોપાલ ભરવાડ, જાણીતા લોકસાહિત્યકાર શ્રી રાજભા ગઢવી, લોકપ્રિય ગાયિકા શ્રી સાંત્વની ત્રિવેદી, સુપ્રસિદ્ધ કલાકાર શ્રી ઉદય ધાંધલ, શ્રી સાગર કાચા તથા શ્રી દિવ્યેશ જેઠવા સહિતના કલાકારો રંગત જમાવશે.
આ સાથે મુલાકાતીઓને વિવિધ સ્ટોલ્સ મારફતે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને જાણવાનો અવસર મળશે તેમજ કલાકારો દ્વારા તૈયારી કરવામાં આવેલી વિવિધ વસ્તુઓ ખરીદવાની પણ તક મળશે.
જિલ્લા વહીવટી તંત્ર, રાજકોટ દ્વારા આ ભવ્ય લોકમેળાનો આનંદ માણવા નાગરિકોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


