GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટના સાંસદશ્રી પુરશોત્તમભાઈ રૂપાલાની અધ્યક્ષતામાં “દિશા”ની બેઠક યોજાઈ

તા.૨૦/૧૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની કામગીરીની પ્રગતિની સમીક્ષા કરાઈ

Rajkot: રાજકોટના સાંસદ શ્રી પુરશોત્તમભાઈ રૂપાલાની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોર્ડીનેશન એન્ડ મોનિટરીંગ કમિટી (દિશા)ની બેઠક જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજવામાં આવી હતી. જેમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જણાવાયું હતું કે, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના ઓકટોબર માસ સુધીમાં મનરેગા અંતર્ગત રાજકોટ જિલ્લામાં ૨.૧૬ લાખ માનવ કલાકો ઉત્પન્ન થયા છે તથા રૂ.૬૬૩ લાખનો ખર્ચ થયેલો છે. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ ૪૬૬.૨૩ લાખનો ખર્ચ થયેલો છે, તેમજ ૩૫૫ સ્વ સહાય જૂથોની રચના કરવામાં આવી છે. પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના હેઠળ ૧૮૨ આવાસોને મંજૂરી અપાઈ ગઈ છે અને ૧૫૫ લાભાર્થીને પ્રથમ હપ્તો પણ ચૂકવાઈ ગયો છે.

ઉપરાંત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ વિવિધ કામો માટે રૂ. ૩૯૫ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ વિવિધ કામો માટે રૂ. ૪૫૬ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. રૂરલ સેલ્ફ ડેવલપમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ વર્ષે ૬૬૩ યુવાનોને રોજગારલક્ષી તાલીમ આપવામાં આવેલી છે.

જ્યારે પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હેઠળ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનું ચીખલિયા ગામ તથા લોધિકા તાલુકાનું પારડી ગામ પસંદ થયેલું છે. જેમાં પારડીમાં રૂ.૧૬ લાખના વિવિધ કામો મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે ચીખલિયા ગામમાં ૩.૭૧ લાખના કામોની મંજુર કરવામાં આવ્યા છે.

આ તકે કમિટીના અધ્યક્ષ તથા સાંસદ શ્રી પુરશોત્તમભાઈ રૂપાલાએ મહત્વપૂર્ણ સૂચનો પણ કર્યા હતા.

આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નવનાથ ગવ્હાણે, નગર પાલિકાઓના પ્રાદેશિક કમિશનર શ્રી મહેશ જાની, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એ.કે. વસ્તાણી, નિવાસી અધિક કલેકટર શ્રી ચેતન ગાંધી, અન્ય વિભાગના અધિકારીશ્રીઓ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્યો સર્વ શ્રી ડૉ. મહેન્દ્રભાઈ પાડલિયા, ડૉ. દર્શિતાબેન શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!