Rajkot: રાજકોટ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું
તા.૫/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન:- જીતેન્દ્ર નિમાવત
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક વૃક્ષ રોપી તેનું જતન કરીએ :ડી.સી.એફ.શ્રી યુવરાજસિંહ ઝાલા
રાજકોટને અર્બન ફોરેસ્ટ બનાવી ગ્રીનગ્રોથ તરફ લઈ જવા ફોરેસ્ટ વિભાગ કટિબદ્ધ
રાજકોટ અને મોરબી જિલ્લામાં ૨૭૨ વિસ્તારોમાંથી પ્લાસ્ટિક એકત્ર કરાયું-આગામી ચોમાસામાં ૨૯.૮૦ લાખ રોપાનું વિતરણ કરાશે
Rajkot: આજે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે રાજકોટમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ‘નમો વડ વન’, આજી ડેમ ખાતે વૃક્ષારોપણ તેમજ ‘નમો વડ વન’થી ‘રામ વન’ સુધી પ્લાસ્ટિક એકત્રીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા સહિતના મહાનુભાવો, અધિકારીઓ તેમજ વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા.
વધતી જતી પર્યાવરણીય સમસ્યાઓના નિરાકરણ માટે નાગરિકો વૃક્ષારોપણ અને વૃક્ષ જતનની નૈતિક જવાબદારી સ્વીકારી તેના માટે પ્રયત્નશીલ રહે તેમજ ‘‘પ્લાસ્ટિકમુક્ત ગુજરાત અભિયાન’’માં સહયોગ આપે, તે ઇચ્છનીય છે.
રાજ્ય સરકારે વિકાસના મહત્વપૂર્ણ પાંચ સ્તંભોમાં પંચમ સ્તંભ તરીકે ‘ગ્રીનગ્રોથ’ને સ્થાન આપ્યું છે. આ પાંચમાં સ્તંભ થકી પર્યાવરણની જાળવણી અને ઉપલબ્ધ સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ કરવાનું સરકારનું ધ્યેય છે. ત્યારે સરકારના પ્રયત્નોથી વન મહોત્સવની ઉજવણી હેઠળ વૃક્ષારોપણમાં લોક ભાગીદારીથી પણ વધારો થઇ રહ્યો છે. શહેરી વિસ્તારોમાં વન અને પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ લાવવા અર્બન ફોરેસ્ટના નિર્માણ હેઠળ વન મહોત્સવો યોજી વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. વિકાસની સાથે પર્યાવરણના જતન માટે વનોનું રક્ષણ અને સંવર્ધન જરૂરી છે ત્યારે સામાજિક વનીકરણ વિભાગ, પર્યાવરણ પ્રેમીઓ, વિવિધ સંસ્થાઓ, વિદ્યાર્થીઓ સહિત નાગરિકોના સહયોગથી વૃક્ષારોપણને પ્રોત્સાહન મળી રહ્યું છે.
નમો વડ વન ખાતે યોજાયેલ વૃક્ષારોપણ અને પ્લાસ્ટિક એકત્રીકરણ અભિયાનમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા, ડી.સી.એફ.શ્રી યુવરાજસિંહ ઝાલા, નાયબ માહિતી નિયામકશ્રી પ્રશાંત ત્રિવેદી, એ.સી.એફ.શ્રી એસ.ટી.કોટડીયા, પર્યાવરણવિદશ્રી ભાવેશભાઈ ત્રિવેદી, કોલેજના વિદ્યાર્થીઓ તથા સામાજિક વનીકરણના કર્મચારીઓ જોડાયા હતા.
આ તકે નાયબ વન સંરક્ષકશ્રી યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતુ કે, પર્યાવરણ દિવસ નિમિત્તે દરેક વ્યક્તિએ એક વૃક્ષ રોપી તેનું જતન કરવું જોઈએ. વન વિભાગ દ્વારા રાજકોટ અને મોરબી જિલ્લામાં છેલ્લા દસ દિવસમાં જુદા-જુદા ૨૭૨ વિસ્તારોમાંથી પ્લાસ્ટિક એકત્રીકરણ અભિયાન હાથ ધરાયું હતું. આગામી ચોમાસામાં આ બંને જિલ્લાઓની ૧૩૮ હેક્ટર જમીનમાં ૨.૧૦ લાખ રોપા વાવવામાં આવશે. તેમજ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા રાજકોટ અને મોરબી જિલ્લામાં આગામી ચોમાસા દરમિયાન ૨૯.૮૦ લાખ રોપા નાગરિકોને સામાન્ય ટોકનના દરે વિતરણ કરાશે.
આ પ્રસંગે રાજકોટ શહેર અને જિલ્લાવાસીઓ વૃક્ષારોપણ તેમજ ‘‘પ્લાસ્ટિકમુક્ત ગુજરાત અભિયાન’’માં જોડાઈને જિલ્લાને સ્વચ્છ અને ગ્રીન બનાવવા સહભાગી બને તેવી અપીલ ડી.સી.એફ.શ્રી ઝાલાએ કરી હતી.