GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: “વિરાસતથી વિકાસ લોકમેળા વિશેષ” મનોરંજન અને લોકપરંપરાનો સમન્વય : રાજકોટમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે આયોજિત લોકમેળામાં દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમની રમઝટ જામશે

તા.૧/૯/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

આલેખન : માર્ગી મહેતા

દેશભક્તિ, લોકસંગીત, રાસ-ગરબા, ડાયરો, શાસ્ત્રીય વાદન અને લુપ્ત થતી પ્રાચીન કલાઓની અદ્ભુત કૃતિઓની પ્રસ્તુતિ થશે

પ્રાદેશિક અને સ્થાનિક કલાકારોને મંચ મળશે : લાખો મુલાકાતીઓ ગુજરાતની સમૃદ્ધ લોકસંસ્કૃતિના દર્શન કરી શકશે

Rajkot; રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તા. ૦૨થી ૦૬ સપ્ટેમ્બર દરમિયાન ‘વિરાસતથી વિકાસ લોકમેળા’નું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણ જન્મોત્સવના પાવન અવસર નિમિત્તે આયોજિત આ લોકમેળામાં મનોરંજનની સાથેસાથે ગુજરાતની સાંસ્કૃતિક ચેતના, લોકપરંપરા અને સમૃદ્ધ વારસાને ઉજાગર કરવાના આશયથી દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને લોકજીવનની ઓળખ તેમજ ‘વિરાસતથી વિકાસ’ના પ્રતીક સમાન આ લોકમેળામાં દેશભક્તિ, લોકસંગીત, રાસ-ગરબા, ડાયરો, શાસ્ત્રીય વાદન અને લુપ્ત થતી પ્રાચીન કલાઓની અદ્ભુત કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવશે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે મેળાના મુલાકાતીઓ આપણા અણમોલ સાંસ્કૃતિક વારસાથી પરિચિત થાય અને તેના સંવર્ધન સાથે પ્રગતિની દિશા આગળ વધે, તેવા ઉમદા હેતુસર પ્રખ્યાત અને સ્થાનિક કલાકારો પાંચ દિવસ દરમિયાન બપોરે ૦૩ કલાકથી રાત્રે ૧૦ કલાક સુધી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરશે.જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી હિતેશભાઈ દિહોરાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ સંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન શ્રી દિનેશભાઈ બાલાસરા કરશે.

 

પ્રથમ દિવસ (તા. ૦૨)

સાંજે ૦૫ વાગ્યાથી ૬:૩૦ વાગ્યા દરમિયાન લોકમેળાનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાશે, જેમાં નેવી બેન્ડ દેશભક્તિના સૂરો રેલાવશે. ત્યારબાદ શ્રી કિંજલબેન પરમાર ગ્રુપ દેશભક્તિના ગીતો પ્રસ્તુત કરશે. સાંજે ૦૭ વાગ્યાથી રાત્રે ૦૮ વાગ્યા સુધી નેવી બેન્ડ ગૃપ સ્વર-તરંગો અને રાત્રે ૦૮ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા દરમિયાન જાણીતા કલાકાર શ્રી ગોપાલભાઈ ભરવાડ અને તેમની ટીમ લોકડાયરાની રમઝટ બોલાવશે.

 

બીજો દિવસ (તા. ૦૩)

બપોરે ૦૩ વાગ્યાથી શ્રી શિવદાન બારોટ, શ્રી અરવિંદભાઈ બખતરીયા અને શ્રી કૌશિકભાઈ મહેતા લોકડાયરો રજૂ કરશે. ત્યારબાદ શ્રી રમેશભાઈ વ્યાસ ગૃપ સમૂહ તબલા વાદન, શ્રી ઉર્વિબેન મજેઠિયા પિયાનો વાદન અને શ્રી વંશભાઈ ચૌહાણ ઓર્ગન વાદન કરશે. સાંજે ૦૫.૧૦ કલાકથી શ્રી મૌલિકભાઈ વ્યાસ ઝવેરચંદ મેઘાણીના ગીતો પીરસશે. આ સાથે શ્રી માલાબેન રાઠોડ અને તેમની ટીમ ગરબા, શ્રી જેનીબેન કાપડિયા અને તેમની ટીમ મિશ્ર રાસ તેમજ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી લુપ્ત થતી કલાની પ્રસ્તુતિ કરશે. સાંજે ૦૭ કલાકે નેવી બેન્ડની પ્રસ્તુતિ બાદ રાત્રે ૦૮ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી પ્રખ્યાત કલાકાર શ્રી રાજભા ગઢવીના લોકડાયરાનું આયોજન છે.

 

ત્રીજો દિવસ (તા. ૦૪)

બપોરે ૦૩ કલાકથી સાંજે ૪:૩૦ કલાક દરમિયાન શ્રી રેખાબેન ગૃપ ડાયરો, ત્યારબાદ સિનિયર સિટીઝન ગૃપ કરાઓકે તેમજ શ્રી શિતલબેન આસર અને શ્રી શ્રેયાબેન આસર ઓર્ગન વાદન પ્રસ્તુત કરશે. સાંજે ૦૫.૩૦ કલાકથી સાંજે ૦૬.૪૫ કલાક સુધી શ્રી મૌલિકભાઈ વ્યાસ ઝવેરચંદ મેઘાણીના ગીતો રજૂ કરશે. ત્યારબાદ શ્રી મેઘાબેન વિઠલાણી અને તેમની ટીમ મિશ્ર રાસ, શ્રી રેખાબેન ગ્રુપ લોકનૃત્ય, શ્રી જયેશભાઈ મકવાણા ટીમ રાસ અને શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી લુપ્ત થતી કલાનું પ્રદર્શન કરશે. રાત્રે ૦૮ કલાકથી રાત્રે ૧૦ કલાક દરમિયાન વિખ્યાત કલાકાર શ્રી સાંત્વનીબેન ત્રિવેદીના લોકડાયરાનો શ્રોતાઓ લાભ લેશે.

 

ચોથો દિવસ (તા. ૦૫)

બપોરે ૦૩ વાગ્યાથી શ્રી હિનાબેન જેઠવા ગ્રુપ કરાઓકે, શ્રી પ્રવિણદાન ગઢવી ગ્રુપ ડાયરો, શ્રી રાજવીબા રાણા સોલો ગીત અને શ્રી મયુરીબા પરમાર, શ્રી તુલસીબેન રાઠોડ તથા શ્રી અમરભાઈ ગઢવી ડાયરો રજૂ કરશે. સાંજે ૦૭ કલાકથી શ્રી કુશલભાઈ દિક્ષિત ગ્રુપ મિશ્ર રાસ, શ્રી જેનીબેન કાપડિયા ગ્રુપ લોકનૃત્ય, શ્રી જિજ્ઞેશભાઈ સુરાણી ગ્રુપ ગરબો, સ્પંદન એકેડેમી બંગાળી લોકનૃત્ય અને શ્રી કર્તવીબેન ભટ્ટ ગ્રુપ લોકનૃત્ય રજૂ કરશે. રાત્રે ૦૮ કલાકથી રાત્રે ૧૦ કલાક દરમિયાન શ્રી ઉદયભાઈ ધાંધલ લોકડાયરો રજૂ કરશે.

 

પાંચમો અને અંતિમ દિવસ (તા. ૦૬)

બપોરે ૦૩ વાગ્યાથી સાંજે ૦૬ વાગ્યા દરમિયાન શ્રી પિયુષભાઈ હિંડોચા ટીમ કરાઓકે, શ્રી વિવેકભાઈ ઉપાધ્યાય ટીમ લોકસંગીત, શ્રી આયુષભાઈ રાધનપુરા અને શ્રી કુશભાઈ મારૂ સોલો કૃતિઓ રજૂ કરશે. સાંજે ૦૬ વાગ્યાથી શ્રી મનિષાબેન પ્રજાપતિ, શ્રી અર્જુનભાઈ જાંબુચા અને શ્રી શાંતિલાલ રાણીગા ડાયરો, શ્રી પલ્લવીબેન વ્યાસ ગ્રુપ સેમી ક્લાસીકલ નૃત્ય, શ્રી મેઘાબેન વિઠલાણી ગ્રુપ મિશ્ર રાસ તથા શ્રી રાજુભાઈ બોખરીયા ગ્રુપ લોકનૃત્ય રજૂ કરશે. રાત્રે ૭:૩૦ વાગ્યાથી સ્થાનિક કલાકારોના ડાયરા બાદ રાત્રે ૮:૩૦ કલાકથી રાત્રે ૧૦:૩૦ કલાક દરમિયાન શ્રી સાગરભાઈ કાચા અને શ્રી દિવ્યેશભાઈ જેઠવાના લોકડાયરા સાથે લોકમેળાનું સમાપન થશે.

આમ, આ સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રાદેશિક કલાકારો સાથે સ્થાનિક કલાકારોને મંચ પૂરું પાડવામાં આવ્યું છે. આ લોકમેળો મનોરંજન પૂરતો સીમિત ન રહેતાં, નાગરિકોમાં પોતાની વિરાસત પ્રત્યે ગૌરવ અને સંસ્કૃતિના જતન અંગે જાગૃતિ કેળવશે. તેમજ રાજકોટ અને સૌરાષ્ટ્રના ખૂણે-ખૂણેથી આવતા લાખો મુલાકાતીઓ ગુજરાતની ભાતીગળ લોકસંસ્કૃતિના દર્શન કરી શકશે.

Back to top button
error: Content is protected !!