Rajkot: રાષ્ટ્રીય માનવ અધિકારી આયોગના સ્પે. મોનિટર શ્રી બાલકૃષ્ણ ગોયલ દ્વારા પરા પીપળીયા આંગણવાડીની મુલાકાત
તા.૨૪/૧૦/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
આંગણવાડીમાં બાળકોને અપાતા ભોજન, શિક્ષણ તેમજ અન્ય સુવિધા ચકાસી
આંગણવાડી કાર્યકર તથા બાળકોના વાલીઓ સાથે સંવાદ કરી પ્રશ્નો જાણ્યા તેમજ મહત્વના સૂચનો કર્યા
Rajkot: રાષ્ટ્રીય માનવ અધિકારી આયોગના સ્પેશિયલ મોનિટર શ્રી બાલકૃષ્ણ ગોયલે આજે રાજકોટના પરા પીપળીયા ગામમાં આંગણવાડી કેન્દ્ર નંબર-૧ની મુલાકાત લીધી હતી. તેમણે આંગણવાડીમાં બાળકોને અપાતા ભોજન, શિક્ષણ તેમજ અન્ય સુવિધાની ચકાસણી કરી હતી. ઉપરાંત આંગણવાડી કાર્યકર તથા બાળકોના વાલીઓ સાથે સંવાદ કરીને તેમના પ્રશ્નો જાણ્યા હતા.
શ્રી ગોયલ આજે સવારે પરા પીપળીયાની આંગણવાડી ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે કેન્દ્રમાં રસોડાની સ્વચ્છતા, સાધનો તેમજ બાળકોને અપાતા ભોજનની ગુણવત્તાનું નિરીક્ષણ કર્યું હતું. સપ્તાહમાં ભોજનમાં કઈ કઈ સામગ્રી અપાય છે, તે પણ જાણ્યું હતું.
આ તકે તેમણે બાળકો સાથે ગમ્મતભરી ભાષામાં સંવાદ કર્યો હતો. અહીં આંગણવાડી કાર્યકર તેમજ બાળકોના માતાઓ તથા વાલીઓ સાથે સંવાદ કરીને, આંગણવાડીની શિક્ષણ વ્યવસ્થા વિશે, અન્ય સુવિધાઓ વિશે પૃચ્છા કરી હતી. જેમાં વાલીઓએ પ્રતિભાવમાં અહીં ભોજન નિયમિત બનતું અને મળતું હોવાનો તેમજ ગુણવત્તાયુક્ત હોવાનું જણાવ્યું હતું. આ જાણી તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો.
ઉપરાંત તેમણે આંગણવાડી કાર્યકર બહેન સાથે સંવાદ કરી સેલરી, ડ્રેસ તેમજ રાશનનો જથ્થો નિયમિત આવે છે કે કેમ તેની ખાતરી કરી હતી. તેમણે બાળકોના પોષણની નિયમિત ચકાસણી કરવા સૂચના આપી હતી.
શ્રી ગોયલે બાળકો માટે ડિજિટલ એજ્યુકેશનને મહત્વનું ગણાવી, અહીં ટીવી મુકવા અધિકારીઓને સૂચના આપી હતી.
ઉપરાંત વાલીઓને બાળકોને નિયમિત શાળામાં મોકલવા, બાળકો ભણીને આવે પછી ભોજનમાં શું મળ્યું તેમજ શું શીખ્યા તેની પૃચ્છા કરીને સમીક્ષા કરવા પ્રેરણા આપી હતી. આ સાથે ગામમાં સગર્ભા બહેનો તેમજ નવજાત બાળકોની નોંધણી આંગણવાડીમાં અચૂક થાય તે જોવા ખાસ જણાવ્યું હતું.
આ તકે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી સંતોષ રાઠોડ, ગામના પૂર્વ સરપંચ શ્રી વિક્રમભાઈ હુંબલ તેમજ અન્ય સ્ટાફ સાથે જોડાયો હતો.