GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ઝુમ્બા ફિટનેસ: મોજ અને મ્યુઝિક સાથે હેલ્ધી લાઈફસ્ટાઈલ તરફ આગે કદમ

તા.૨૮/૪/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

ઝુમ્બા દ્વારા વજન ઘટાડવાના પ્રેરણાદાયક અનુભવો વર્ણવતા ફિટનેસ પ્રેમીઓ

Rajkot: છેલ્લા કેટલાક સમયથી આધુનિક જીવનશૈલી અને ખાનપાનની આદતોના કારણે લોકોનું જીવન બેઠાડુ બની રહ્યું છે. જેના લીધે શરીર ભારે થવાના કારણે સ્થૂળતા એટલે કે મેદસ્વિતા વધી રહી છે. જો મેદસ્વિતા બાબતે કાળજી રાખવામાં ન આવે, તો આવા લોકો અન્ય અનેક રોગોમાં સપડાય તેવી સંભાવના છે. આથી, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ફિટ ઇન્ડિયા માટે યોગાભ્યાસ, ખેલકૂદ, ડાન્સ, પરિશ્રમ તથા વ્યાયામને મહત્વ આપ્યું છે.

આ ઉપરાંત, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રેડિયો વાર્તાલાપ ‘મન કી બાત’ના એપિસોડમાં મેદસ્વિતા સામે પ્રજાને જાગૃત થવાની અપીલ કરી છે. જેને ધ્યાને લઈને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન કાર્યરત કર્યું છે. જેમાં રાજ્ય સરકાર “પહેલું સુખ તે જાતે નર્યા” એકહેવતને ચરિતાર્થ કરવા નાગરિકોને સ્વાસ્થ્યની જાગૃતિ તથા મેદસ્વિતાના નિયંત્રણ માટે પ્રેરિત કરી રહી છે. ત્યારે મેદસ્વિતા નાબૂદી માટે વિવિધ પ્રકારના ડાન્સ થકી પણ લોકો વજન ધટાડવાની સાથે તેને મેઈન્ટેન પણ કરી રહ્યા છે. જેનું જ્વલંત ઉદાહરણ છે, દિપાબેન સુચક, હીર શેઠ, ભારતીબેન દવે તથા અનેક લોકો જેઓએ ઝુમ્બા ફિટનેસ દ્વારા વજન ઘટાડીને સારી તંદુરસ્તી મેળવી છે.

આ અંગે વાત કરતા દિપાબેન સુચકે જણાવ્યું હતું કે, છ-આઠ મહિના પહેલા મારું વજન ૮૫ કિલોથી વધુ હતું, ત્યારે મને ચાલવા સહિતની બીજી ઘણી તકલીફો પડતી હતી. મારા માટે જીમ કે યોગ કરવાનું અધરુ હતું. તેથી મેં મારા ઘર પાસે ઝુમ્બા ફિટનેસ સેન્ટર જોઈન કર્યું. ધીમે ધીમે હું રેગ્યુલર થઈ અને મજા આવવા લાગી. ઝુમ્બા ડાન્સના કારણે મારી ફિઝીકલ ફિટનેસ તથા મેન્ટલ ફિટનેસમાં ઘણો ચેન્જ આવ્યો. અને મે આઠ થી દસ મહીનામાં ૧૮ કીલો જેટલું વજન ઉતાર્યું છે. હાલમાં મારુ વજન ૬૮ કિલો જેટલું છે. મે ઝુમ્બા, ડાયટ અને સ્લીપ સાઇકલ દ્વારા મારું વજન ઉતાર્યું. આ બાબતે સૌએ જાગૃત થવાની જરૂર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલા આ મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાનમાં જોડાઈને મેં તો મારું વજન ઉતાર્યું છે અને મારા મિત્રો પણ પોતાનું વજન ઉતારી રહ્યા છે. રાજકોટના તમામ લોકો મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાનમાં જોડાઈને ઓબેસિટી ફ્રી બને તેવી શુભેચ્છા તેઓએ પાઠવી હતી.

ઝુમ્બા ફિટનેસ દ્વારા વજન ઘટાડવા અંગે હીર શેઠે જણાવ્યું હતું કે, હું ઓવર વેટ તથા પી.સી.ઓ.ડી. જેવા હેલ્થ ઈસ્યુ થી પીડાતી હતી. જેના કારણે મારી ફિઝીકલ અને મેન્ટલ ફિટનેસ વચ્ચે બેલેન્સ ખોરવાઈ ગયુ હતું એટલે મેં ઝુમ્બા શરૂ કર્યા ૬ મહીના સુધી મેં “નો સુગર, નો જંક ફૂડ, બેલેન્સ ડાયટ, પ્રોપર સ્લીપ સાઇકલની સાથે સાથે ડિસીપ્લીન અને એક પણ દિવસની રજા રાખ્યા વગર ફીટનેસ ઉપર પુરતું ધ્યાન આાપીને ૧૩-૧૪ કિલો વજન ઉતાર્યું છે. જેના કારણે મારો આત્મ વિશ્ર્વાસ વધ્યો છે. તમામ લોકોએ વજન ઉતારીને હેલ્ધી લાઈફ જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ.

રાજકોટના ઝુમ્બા ફિટનેસ ટ્રેઈનર મુસ્કાન વ્યાસ જણાવે છે કે, ઝુમ્બા ફિટનેસ વ્યક્તિની કાર્ડીયોવેસ્ક્યુલર હેલ્થને બુસ્ટ કરે છે, હોર્મોન બેલેન્સ કરે છે, હાર્ટને પણ હેપ્પી રાખે છે. જેનાથી વેઈટ લોસ ઝડપથી થાય છે. જે લોકોને વર્કઆઉટ બોરીંગ લાગે તે લોકો માટે ઝુમ્બા ફિટનેસની અંદર મ્યુઝિક અને ફન સાથે વર્કઆઉટ કરવું ખુબ જ સહેલું છે. ફન સાથે વર્કઆઉટ કરીએ ત્યારે માઈન્ડ અને બોડી હેપ્પી અને હેલ્ધી ફીલ કરે છે. અત્યારે ભારતમાં અને ગુજરાતમાં ઓબેસિટી એક મોટી ચેલેન્જ છે. જ્યાં જોઈએ ત્યાં આપણને વધુ વજનની સમસ્યાથી પીડાતા લોકો જોવા મળે છે. ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા નાગરિકોને સ્વાસ્થ્યની જાગૃતિ માટે શરૂ કરાવવામાં આવેલા મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાનમાં મહત્તમ લોકોને જોડાવા અપીલ કરુ છું.

Back to top button
error: Content is protected !!