Rajkot: ૨૬મી એપ્રિલ રવિવારે, અચૂક મતદાન કરો રાજકોટ જિલ્લામાં લોકશાહીના પર્વ અંગે જાગૃતિ અભિયાનમાં ભાવિ મતદારો એવા વિદ્યાર્થીઓ સહભાગી બન્યા

તા.૨૪/૪/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
ચુનાવ પાઠશાળા, શપથવિધિ, જૂથચર્ચા અને મોકપોલ જેવી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ
Rajkot: ગુજરાતના ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલા SVAP (State Voter’s Awareness Program) અંતર્ગત રાજકોટ જિલ્લામાં મતદાન જાગૃતિની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ છે. રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ પણ આ કાર્યક્રમમાં સક્રિયપણે જોડાયા છે. ભાવિ મતદારો એવા વિદ્યાર્થીઓ પોતાના પરિવાર અને આસપાસના વિસ્તારના લોકોને ૨૬ એપ્રિલના રોજ અચૂક મતદાન કરવા માટે પ્રેરણા આપી રહ્યા છે.

રાજકોટની સરોજિની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા સ્વામી વિવેકાનંદ શાળા વિકાસ સંકુલ અંતર્ગત ‘ચુનાવ પાઠશાળા’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થિનીઓએ લોકશાહીના શપથ ગ્રહણ કર્યા હતા. સેમિનારમાં વિદ્યાર્થિનીઓએ મતદાનની પ્રક્રિયા વિશે માહિતી મેળવી હતી. તેમજ વિદ્યાર્થીનીઓએ પોસ્ટર સ્પર્ધા અને સ્લોગન સ્પર્ધામાં પોતાની સર્જનાત્મકતા પ્રદર્શિત કરી ‘મતદાન એ જ મહાદાન’નો સંદેશો પાઠવ્યો હતો. આ ઉપરાંત, કડવીબાઇ વિરાણી કન્યા વિદ્યાલય ખાતે મતદાન જાગૃતિ સંદર્ભે વિદ્યાર્થિનીઓ માટે જૂથચર્ચા યોજાઈ હતી, જેમાં યુવા મતદારોની ભૂમિકા વિશે ચર્ચા કરવામાં આવી હતી.
વધુમાં, મતદાન જાગૃતિ અભિયાનમાં પી. એન્ડ ટી. વી. શેઠ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ‘હર ઘર સંપર્ક’ કાર્યક્રમ કરીને પત્રિકા વિતરણ કર્યું હતું અને ૨૬ એપ્રિલ, રવિવારે અચૂક મતદાન કરવા નાગરિકોને અનુરોધ કર્યો હતો. ગોંડલની મોંઘીબા સ્કૂલ ખાતે પણ વિવિધ પ્રવૃત્તિઓ સાથે ‘મોક પોલ’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ મતદાનની પ્રત્યક્ષ પ્રક્રિયાનો અનુભવ મેળવ્યો હતો. આમ, રાજકોટ જિલ્લાની શાળાઓ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ થકી લોકોને અચૂક મતદાનનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.




