GUJARATKUTCHNAKHATRANA

એસ.એસ.પી.એ. હાઈસ્કૂલ દ્વારા રાખડી સ્પર્ધા સાથે નિરોણા પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધનની ઉજવણી.

રાખડીના પવિત્ર તારે બંધાયો સ્નેહ, આદર અને રાષ્ટ્રરક્ષાનો અડગ સંકલ્પ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

નખત્રાણા,તા-૨૮ ઓગસ્ટ : સારસ્વતમ્ સંચાલિત શ્રી પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ, નિરોણા ખાતે શાળાના આચાર્ય ડૉ. વી. એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ રક્ષાબંધન પર્વની ઉજવણી અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ધોરણ ૯થી ૧૨ની વિદ્યાર્થિનીઓ માટે રાખડી સ્પર્ધા યોજાઈ હતી.આ સ્પર્ધામાં આશરે ૩૦ વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થિનીઓએ પોતાની સર્જનાત્મકતાનો ઉપયોગ કરીને આકર્ષક અને સુંદર રાખડીઓ તૈયાર કરી હતી. સ્પર્ધામાં તેમની કલાત્મક અભિવ્યક્તિ, સર્જનાત્મકતા, નવીનતા તથા રાખડીની સુંદરતાને આધારે નિર્ણાયકોએ વિજેતાઓની પસંદગી કરી હતી. જેમાં પ્રથમ ક્રમે ભાનુશાલી વંશી (ધોરણ ૧૨), દ્વિતીય ક્રમે મહેશ્વરી ફાલ્ગુની (ધોરણ ૧૦) અને તૃતીય ક્રમે પઢિયાર પૂજાબા (ધોરણ ૯) વિજેતા બન્યાં હતાં.રક્ષાબંધન પર્વને વધુ ભાવસભર અને રાષ્ટ્રસેવા સાથે જોડવા માટે વિદ્યાર્થિનીઓએ નિરોણા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. ત્યાં વિદ્યાર્થિનીઓએ પોલીસ જવાનોના હાથ પર રક્ષાસૂત્ર બાંધી તેમને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી. પોલીસ જવાનો સમાજની સુરક્ષા માટે સતત ફરજ બજાવે છે ત્યારે તેમના પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો આ પ્રસંગ સૌ માટે લાગણીસભર બની રહ્યો હતો. વિદ્યાર્થિનીઓ દ્વારા પોલીસ જવાનોના હાથ પર બાંધવામાં આવેલું રક્ષાસૂત્ર માત્ર એક રાખડી નહોતું, પરંતુ સમાજની સુરક્ષા અને રાષ્ટ્રની રક્ષા માટે પોલીસ જવાનો દ્વારા નિભાવવામાં આવતી જવાબદારી પ્રત્યેના સન્માન, વિશ્વાસ અને કૃતજ્ઞતાનું પ્રતીક હતું. આ પ્રસંગે પોલીસ જવાનો અને વિદ્યાર્થિનીઓ વચ્ચે ભાઈ-બહેનના પવિત્ર સ્નેહની લાગણી વધુ ગાઢ બની હતી.આ સમગ્ર આયોજન દ્વારા શાળાએ સુંદર સંદેશ આપ્યો કે રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનના લોહીના સંબંધનું પર્વ નથી, પરંતુ સ્નેહ, સુરક્ષા, વિશ્વાસ, કર્તવ્ય, આદર અને રાષ્ટ્રસેવાની ભાવનાઓને જોડતું પવિત્ર પર્વ પણ છે.

Back to top button
error: Content is protected !!