DEESA

ડીસા તાલુકાના વાહરા સામાજિક બંધારણ અમલમાં સમાજ સુધારણાનો સંકલ્પ લગ્ન પ્રસંગોમાં DJ અને નશામુક્તિનો સંકલ્પ ,17 કુરિવાજો બંધ

ડીસા તાલુકાના વાહરા સામાજિક બંધારણ અમલમાં સમાજ સુધારણાનો સંકલ્પ લગ્ન પ્રસંગોમાં DJ અને નશામુક્તિનો સંકલ્પ ,17 કુરિવાજો બંધ

અહેવાલ – ભરત ઠાકોર ભીલડી

ડીસા તાલુકાના વાહરા ગામે સમાજ સુધારણાની દિશામાં મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પગલું લેવામાં આવ્યું છે. ગામના આગેવાનો, વડીલો તથા યુવાનોની સંયુક્ત હાજરીમાં જોગમાયા માતાજીના પવિત્ર મંદિરે સામાજિક બંધારણના અમલીકરણ માટે વિશેષ બેઠક યોજાઈ હતી.આ બેઠક દરમિયાન સમાજને પાછળ ખેંચતા 17 જેટલા મૂળદાસો/કુરિવાજો પર પૂર્ણ પ્રતિબંધ મૂકવાનો સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો. ખાસ કરીને લગ્ન તથા અન્ય સામાજિક પ્રસંગોમાં દારૂ અને DJ સાઉન્ડ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાનો કડક નિર્ણય લેવામાં આવ્યો છે.બેઠકમાં જણાવ્યા મુજબ, લગ્ન પ્રસંગોમાં ફાજલ ખર્ચ, દેખાડાશાહી અને અવાજ પ્રદૂષણથી સમાજમાં અસ્વસ્થતા વધી રહી હતી, જેના નિવારણ માટે આ બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું છે. હવે લગ્ન પ્રસંગોમાં માત્ર સરળ શરણાઈ અથવા બે તાળના પરંપરાગત સુર સુધી મર્યાદા રાખવાની સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, આ નિર્ણયનો મુખ્ય હેતુ યુવા પેઢીને નશામુક્ત, સંસ્કારી અને શિક્ષણ તરફ પ્રોત્સાહિત કરવાનો છે. સાથે જ સામાજિક એકતા મજબૂત બને અને સમાજમાં શાંતિ તથા સુવ્યવસ્થા જળવાઈ રહે તે માટે સૌને બંધારણનું પાલન કરવાની અપીલ કરવામાં આવી હતી.બેઠકના અંતે તમામ ઉપસ્થિતોએ સામાજિક બંધારણનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગામના વડીલો, યુવાનો અને સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. વાહરા ગામનો આ નિર્ણય આજના સમયમાં સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યો છે.

Back to top button
error: Content is protected !!