**ખેડબ્રહ્મા: CRPF જવાનના માતા-પિતા પર જીવલેણ હુમલો, સંગઠને પોલીસ સ્ટેશન ખાતે કરી રજૂઆત**





**ખેડબ્રહ્મા: CRPF જવાનના માતા-પિતા પર જીવલેણ હુમલો, સંગઠને પોલીસ સ્ટેશન ખાતે કરી રજૂઆત**
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના પરોયા ગામે CRPFમાં ફરજ બજાવી રહેલા એક જવાનના માતા-પિતા પર જીવલેણ હુમલાની ઘટનાએ વિસ્તારમાં હડકંપ મચાવી દીધો છે. આ ઘટનાથી સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને સવાલ ઉઠી રહ્યો છે કે દેશસેવા કરતા જવાનના પરિવારને પણ સુરક્ષા નથી?
આ ઘટનાની જાણ થતાં જ પેરામિલિટરી સંગઠનના હોદ્દેદારો અને સદસ્યોએ તાત્કાલિક પગલાં લીધાં. રાષ્ટ્રીય અધ્યક્ષ પટેલ દિપેશભાઈ, રાષ્ટ્રીય મંત્રી મંગળભાઈ, સાબરકાંઠા જિલ્લા પ્રમુખ કમલેશભાઈ, જિલ્લા મહિલા પ્રમુખ સીતાબેન, અમદાવાદ શહેર પ્રભારી નટવરભાઈ, ખેડબ્રહ્મા તાલુકા પ્રમુખ મહેશભાઈ, પોશીના તાલુકા પ્રમુખ ડાભી સવજીભાઈ સહિત રમેશભાઈ, મનીષભાઈ, નરેશભાઈ, ઉદયભાઈ અને સંગઠનના અન્ય અનેક હોદ્દેદારો તથા સદસ્યોએ મોટી સંખ્યામાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન પહોંચીને જવાનના પરિવારને ન્યાય અપાવવા માટે રજૂઆત કરી હતી.
પોલીસ અધિકારીઓએ સંગઠનના પ્રતિનિધિઓને પૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી છે અને કાયદા મુજબ ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની બાહેધરી પણ આપી છે.
રાષ્ટ્રીય અધ્યક્ષ પટેલ દિપેશભાઈએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, “જો જવાનને ન્યાય નહીં મળે તો સંગઠન મજબૂતીથી આગળ વધશે. સંવિધાનની ચારિત્ર્ય મર્યાદામાં રહીને જવાનના ન્યાય માટે જે પગલાં લેવા પડે તે લેવામાં સંગઠન અચકાશે નહીં.”
આ ઘટનાએ પેરામિલિટરી કર્મચારીઓ અને તેમના પરિવારોની સુરક્ષાનો મુદ્દો ફરી એક વાર તીવ્ર બનાવ્યો છે. પોલીસ તપાસ ચાલુ છે અને ગુનેગારોને જલદી પકડવામાં આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જયંતિ પરમાર સાબરકાંઠા


