હિંમતનગર: રેતીનું ટ્રેક્ટર ડિટેઇન ન કરવા રૂ. 1,000ની લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ ACBના હાથે રંગેહાથ ઝડપાયો


**હિંમતનગર: રેતીનું ટ્રેક્ટર ડિટેઇન ન કરવા રૂ. 1,000ની લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ ACBના હાથે રંગેહાથ ઝડપાયો**
**સાબરકાંઠા:**
સાબરકાંઠા જિલ્લામાં ભ્રષ્ટ અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ બાબુભાઈ બોદર લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે.
**ઘટનાની વિગત:**
પ્રાપ્ત વિગતો મુજબ, હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ બોદરે ફરિયાદીના રેતી ભરેલા ટ્રેક્ટરને ડિટેઇન ન કરવા પેટે હપ્તા તરીકે રૂ. 2,000ની લાંચની માંગણી કરી હતી. જે પૈકી રૂ. 1,000 આજે આપવાના નક્કી થયા હતા.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે મહેસાણા ACB પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
**ACBનું છટકું:**
ફરિયાદના આધારે મહેસાણા ACBની ટીમે હિંમતનગર RTO સર્કલ પાસે આવેલી ગ્રામ્ય પોલીસ ચોકી ખાતે છટકું ગોઠવ્યું હતું. વાતચીત દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ બોદરે ફરિયાદી પાસેથી રૂ. 1,000ની લાંચની રકમ સ્વીકારતા જ ACBની ટીમે તેમને ઘટનાસ્થળેથી રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
ACB દ્વારા લાંચ પેટે લેવાયેલી પૂરેપૂરી રકમ જપ્ત કરી આરોપી હેડ કોન્સ્ટેબલ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જયંતિ પરમાર સાબરકાંઠા


