વિશ્વ પર્યાવરણ દિવસે ગ્રીન ગ્લોબલ બ્રિગેડના ગ્રીન કમાન્ડો દ્રારા ૧૧૧ ગુલમહોરના વૃક્ષોનું વાવેતર




વિશ્વ પર્યાવરણ દિવસે ગ્રીન ગ્લોબલ બ્રિગેડના ગ્રીન કમાન્ડો દ્રારા ૧૧૧ ગુલમહોરના વૃક્ષોનું વાવેતર
આ ખાસ દિન નિમિત્તે
“એક વૃક્ષ વાવો અને તેને સાચવો” નો સંદેશ અપાતા—જીતુભાઈ પટેલ (તિરુપતિ)
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વમાં પર્યાવરણ જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અવસરે ઉત્તર ગુજરાતમાં પર્યાવરણ સંરક્ષણ માટે વર્ષોથી કાર્યરત ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સ્થાપક અને ગુજરાતના ગ્રીન એમ્બેસેડર તરીકે જાણીતા જીતુભાઈ પટેલ (તિરુપતિ)ના માર્ગદર્શન હેઠળ ગ્રીન કમાન્ડોની ટીમે 111 ગુલમોહરના વૃક્ષોનું વાવેતર કર્યું હતું.
આ પ્રસંગે જીતુભાઈ પટેલે પર્યાવરણ સંરક્ષણ અંગે મહત્વપૂર્ણ સંદેશ આપતા જણાવ્યું હતું કે માત્ર વૃક્ષારોપણ કરવું પૂરતું નથી, પરંતુ તેનું યોગ્ય જતન અને સંવર્ધન પણ એટલું જ આવશ્યક છે. તેમણે લોકોને તેમજ સરકારી તંત્રને અપીલ કરી હતી કે જ્યાં પાણીની પૂરતી સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં જ વૃક્ષારોપણ કરવામાં આવે, જેથી વાવેલા વૃક્ષો લાંબા સમય સુધી જીવંત રહી પર્યાવરણને વાસ્તવિક લાભ આપી શકે.
તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વિકાસલક્ષી કાર્યોની સાથે પર્યાવરણ સંરક્ષણ માટે પણ સતત પ્રયત્નશીલ છે. આ પ્રયાસોને સફળ બનાવવા માટે સમાજના દરેક વર્ગની સક્રિય ભાગીદારી જરૂરી છે. સરકાર, સંસ્થાઓ અને નાગરિકો સાથે મળીને કાર્ય કરશે ત્યારે જ હરિયાળું અને સ્વચ્છ ગુજરાતનું સ્વપ્ન સાકાર થઈ શકશે.
ખેડૂતોને સંબોધતા જીતુભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકારની વિવિધ વન વિકાસ અને વન કવચ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવો જોઈએ. ખેડૂતોના ખાલી પડેલા શેઢા તથા બિનઉપયોગી જમીનમાં વૃક્ષારોપણ કરવામાં આવે તો પર્યાવરણને લાભ થવાની સાથે ભવિષ્યમાં ખેડૂતોને આર્થિક લાભ પણ મળી શકે છે.
જીતુભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “એક વૃક્ષ વાવો, ભલે એક જ વાવો, પરંતુ તેને સાચવો.” તેમણે કહ્યું કે આ માત્ર એક સૂત્ર નથી, પરંતુ પર્યાવરણ બચાવવાનો સૌથી અસરકારક માર્ગ છે. વાવેલા વૃક્ષનું સંરક્ષણ કરવામાં આવશે તો જ આવનારી પેઢીઓને સ્વચ્છ હવા, પૂરતું પાણી અને સંતુલિત પર્યાવરણ મળી શકશે.
ગ્રીન ગ્લોબલ બ્રિગેડ છેલ્લા ઘણા વર્ષોથી “પર્યાવરણ સુરક્ષા” અને “Every Seed Counts”ના સૂત્ર સાથે કાર્યરત છે. સંસ્થા દ્વારા રાજ્યભરમાં લાખો વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન કરવામાં આવ્યું છે. મહેસાણાના વિજાપુર રોડ પર આવેલું “તિરુપતિ ઋષિવન” તેનું જીવંત ઉદાહરણ છે. આશરે 100 એકરમાં વિકસાવવામાં આવેલું આ માનવસર્જિત જંગલ આજે ઉત્તર ગુજરાતના મહત્વના ગ્રીન ઝોન પૈકીનું એક બની ગયું છે.
ગુજરાતના ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા 18 વર્ષથી વિસનગર સહિતના વિસ્તારોમાં ખેડૂતો અને પર્યાવરણપ્રેમીઓને નિઃશુલ્ક રોપાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. હજારો ખેડૂતો, યુવાનો અને સ્વયંસેવકો આ અભિયાન સાથે જોડાઈ પર્યાવરણ સંરક્ષણની દિશામાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે.
વિશ્વ પર્યાવરણ દિવસના આ અવસરે ગ્રીન ગ્લોબલ બ્રિગેડે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પર્યાવરણનું રક્ષણ માત્ર સરકાર કે સંસ્થાઓની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની ફરજ છે. જો દરેક વ્યક્તિ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવે અને તેનું સંરક્ષણ કરે તો હરિયાળું, સ્વસ્થ અને પર્યાવરણમૈત્રી ગુજરાતનું નિર્માણ શક્ય બની શકે છે.
જયંતિ પરમાર સાબરકાંઠા


