ભરૂચ શહેરના ચાવજ વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીઓમાંથી ઘરફોડ ચોરીની ઘટનાઓમાં સંડોવાયેલા બે ઈસમોને સી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે ચોરીના 6 ગુનાઓ ઉકેલી કુલ રૂ. 4,13,857નો મુદ્દામાલ સહિત ચોરીમાં વપરાયેલી મો.સા. પણ રીકવર કરી છે.
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી.આર. ભરવાડના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.એસ. શેલાણા અને સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા, ત્યારે માહિતી મળી હતી કે પહેલાના ગુનાઓમાં ઝડપાયેલો ઉમેશ દયાળભાઈ બગડીયા ઈલેક્ટ્રિક વાયરના બંડલો અને ચોરીની સ્પ્લેન્ડર પ્લસ મો.સા. (નં. GJ-04-CD-8842) સાથે ચાવજથી ઝાડેશ્વર ચોકડી તરફ આવી રહ્યો છે.
પોલીસે તરત જ માહિતીવાળા સ્થળ પરથી ઉમેશ બગડીયાને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે ખુલાસો કર્યો કે 10 એપ્રિલના રોજ તેણે અને નવલ ઉર્ફે કાળીયો ચંદુભાઈ ભાભોરે ચાવજ સ્થિત શ્રી વૃંદાવન વિલા સોસાયટીના બંધ મકાનની બારી તોડી અંદર પ્રવેશ કરીને ઈલેક્ટ્રિક વાયરના 20 બંડલ ચોરી કર્યા હતા. બંને ઈસમોએ અગાઉ પણ ચાવજની વિવિધ સોસાયટીઓમાં ઘરફોડ કરી સોના-ચાંદીના દાગીના અને અન્ય ચીજો ચોરી કર્યાની કબુલાત કરી છે. ઉપરાંત, અંકલેશ્વર GIDC અને ભરૂચ શ્રવણ ચોકડીમાંથી મોટરસાયકલ ચોરીના ગુનાઓ પણ કબૂલ કર્યા છે.
પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધીને ચોરીમાં ગયેલા ઈલેક્ટ્રિક વાયરના અલગ-અલગ સાઈઝનાં બંડલ, સોના-ચાંદીના દાગીના તથા મો.સા. સહિત કુલ રૂ. 4,13,857નો મુદ્દામાલ રીકવર કર્યો છે. બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.