સેલંબા ડેડીયાપાડા નેત્રંગ માંડવી બારડોલી વચ્ચે સાંજના સમયે એકપણ બસ ન હોવાના કારણે લોકોને ભારે હાલાકી
તાહિર મેમણ – ડેડીયાપાડા – 30/03/2025 – રાજપીપલા અથવા નવસારી કે બારડોલી ડેપો દ્વારા સાંજના સમયે બસ શરૂ કરવામાં આવે તેવી મુસાફરોની માંગ ઉઠી બે વાગ્યા બાદ બારડોલી નવસારી જવા માટે એકપણ બસ નથી સાંજે 6 કલાક ની આસપાસ નેત્રંગ થી બારડોલી નવસારી જવા માટે બસ શરૂ થાય તો લોકોને રાહત મળે ભરૂચ જિલ્લાના વેપારી મથક અને તાલુકા નેત્રંગ ખાતેથી બપોર બાદ બારડોલી, નવસારી તરફ જવા માટે એકપણ બસ રૂટ ન હોવાના કારણે વેપારીઓ સહિત કર્મચારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
તાલુકા મથક નેત્રંગ ખાતે અનેક સરકારી સંકુલો,શાળાઓ,કોલેજ તેમજ અન્ય સરકારી કચેરીઓ આવેલી છે. જ્યા માંડવી,બારડોલી ,નવસારી કે પછી વ્યારા વિસ્તારમાંથી અનેક કર્મચારીઓએ નોકરી માટે તો વેપારીઓએ ધંધા રોજગાર માટે આવવું પડે છે. પરંતુ નવસારી,બારડોલી કે પછી વ્યારા ,માંડવી તરફથી સવારે આવવા માટે અનેક બસ રૂટ સેવાઓ ઉપલબ્ધ છે પરંતુ સાંજના સમયે ત્રણ વાગ્યા બાદ એકપણ બસ રૂટ ઉપલબ્ધ ન હોવાના કારણે નોકરિયાતો અને વેપારીઓએ મુશ્કેલીમાં મુકાવું પડે છે. જેથી સાંજના 6 વાગ્યાના આસપાસ નેત્રંગ થી બારડોલી, નવસારી તરફ એક બસ રૂટ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
જો સેલંબા કે પછી રાજપીપળા થી સાંજના 5 વાગ્યા ની આસપાસ બારડોલી નવસારી માટે બસ રૂટ શરૂ કરવામાં આવે તો અનેક મુસાફરોને તેનો લાભ મળે તેમ છે. સાથે સાથે એસટી તંત્રને આવક પણ થાય અને લોકોને સાંજના સુમારે બસની સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય તેમ છે. સાંજના સુમારે સેલંબા નેત્રંગ કે પછી રાજપીપળા નેત્રંગ થી બારડોલી કે નવસારી તરફ જવા માટે એક પણ બસ નથી.જેના કારણે ના છૂટકે મુસાફર જનતાએ ખાનગી વાહનોમાં
ડબલ ભાડું ચૂકવી તૂટક તૂટક જવા મજબુર થવું પડે છે. જેથી નાણાં સાથે સમયનો પણ વેડફાટ થાય છે. જેથી જો સાંજે 5 કલાક બાદ સેલંબા કે પછી રાજપીપળા થી બારડોલી નવસારી તરફ એક બસ રૂટ શરૂ કરવામાં આવે તો લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થાય તેમ છે અને મુસાફરો,નોકરિયાતો કે પછી વેપારીઓને સવલત મળી રહે તેમ છે.
જેથી ભરૂચ કે સુરત એસટી વિભાગીય નિયામક ,ભરૂચ તેમજ નવસારી સાંસદ આ બાબતે સાંજના સુમારે બસ ચાલુ કરાવે એવી સમગ્ર પંથકના મુસાફરોની માંગ ઉઠી છે. જો સેલંબા થી સાંજના સુમારે 5 કલાક ની આસપાસ બારડોલી નવસારી માટે બસ શરૂ થાય તો નર્મદા જિલ્લાના સાગબારા ,ડેડીયાપાડા તાલુકા સહિત ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ગામોની જનતાને તેનો લાભ મળશે. અને લોકો હાલ જે હાલાકીઓ ભોગવી રહ્યા છે તેમાંથી પણ છૂટકારો મળશે.