કાલોલ નગરપાલીકા ના પીવાના પાણીના સંપમાં પ્રાણીઓના હાડપિંજર મળતા ખળભળાટ: નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે ઉગ્ર આક્રોશ.

તારીખ ૧૧/૦૮/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરપાલિકાની મોટી બેદરકારી સામે આવી છે, જેનાથી સ્થાનિક રહીશોના આરોગ્ય સામે ગંભીર સવાલો ઊભા થયા છે. દિવાન વાડી વિસ્તારમાં આવેલી મુખ્ય પાણીની ટાંકી અને સંપની સફાઈ દરમિયાન અંદરથી મરેલા પશુઓના હાડપિંજર અને અનેક હાડકાં મળી આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, પાલિકાના કર્મચારીઓ જ્યારે સફાઈ કામગીરી કરી રહ્યા હતા, ત્યારે આ ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. મોટા ભાગના હાડકાં પાલિકાની ગાડીમાં ભરી લેવામાં આવ્યા હતા. જોકે, સ્થાનિક લોકો સમયસર આવી પહોંચતા કેટલાક હાડકાં બહાર જ રહી ગયા હતા, જે પાલિકાની આ ઘોર બેદરકારીના પુરાવા સમાન છે.આ ઘટના પછી સ્થાનીકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, આથી થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં રખડતા કૂતરા આ ખુલ્લા સંપની આસપાસ અને અંદર ફરતા જોવા મળ્યા હતા. તે સમયે આ મુદ્દો ઉઠતા, પાલિકા દ્વારા માત્ર કામચલાઉ વ્યવસ્થા તરીકે સંપ પર પ્લાસ્ટિક ઢાંકવામાં આવ્યું હતું. કાયમી ઢાંકણ બનાવવામાં ન આવતા, આ અઘટિત ઘટના બની હોવાનું માનવામાં આવે છે.નગરજનોના જણાવ્યા અનુસાર, ‘આપણું કાલોલ સ્વચ્છતાના નામે શૂન્ય’ છે. ખાસ કરીને વોર્ડ નંબર ૨, ૩, ૬ અને ૭ (બે, ત્રણ, છ અને સાત) ના રહીશો છેલ્લા બે-ત્રણ વર્ષથી આવું જ, મરેલા પશુઓના હાડકાં અને અવશેષોવાળું, દૂષિત પાણી પીવા મજબૂર છે. પાલિકા દ્વારા જાણી જોઈને નગરજનોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે.આ ઉપરાંત, પાલિકા પોતાની આ ગંભીર ભૂલ છુપાવવા માટે પાણીમાં વધુ પડતું બ્લીચિંગ પાવડર નાખતી હોવાની પણ ફરિયાદો ઉઠી છે. ટાંકીની બાજુના રૂમમાં બ્લીચિંગના મોટા કારબાઓ પણ મળી આવ્યા છે. લોકોનું કહેવું છે કે, આ માત્ર પાણીને ચોખ્ખું દેખાડવા માટેનો ડોળ છે, પણ વાસ્તવમાં તેમાં ગંભીર બીમારીઓ ફેલાવનારા જીવાણુઓ હોય છે.સ્થાનિક રહીશોની હવે એક જ માગ છે કે કાલોલ નગરપાલિકા સત્તાધીશો યુદ્ધના ધોરણે આ સંપનું ઢાંકણું બેસાડવાની કામગીરી પૂર્ણ કરે, જેથી ફરી આવી ઘટના ન બને અને લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે. “હવે પ્રજા જાગૃત થઈ છે” અને આવી ગંભીર બેદરકારી વધુ સમય ચલાવી લેવામાં આવશે નહીં, તેવું સ્થાનીકોએ સ્પષ્ટ જણાવ્યું છે.







