અસુરિયા જૈન મંદિરમાંથી તસ્કરોની 45 હજારની ચોરી
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ તાલુકામાં આવેલાં અસુરિયા ગામે મુનિ સુરતનાથ દિગંબર જૈન સમુહ શરણતીર્થ આવેલું છે. જેમાં સંજય કોળી પુજારી તરીકે સેવા આપે છે. અને ત્યાં જ રહે છે. રાત્રીના આઠેક વાગ્યે તેમણે મંદીરના તમામ દરવાજા નિયમિત રીતે બંધ કરી તેઓ તેમની રૂમ પર જઇ સુઇ ગયાં હતાં.
બીજા દિવસે સવારે સાડા પાંચેક વાગ્યે તેઓએ નિત્યક્રિયા પુર્ણ કરી મંદીરે પૂજા કરવા માટે ગયાં હતાં. તેઓ મંદિરમાં પ્રવેશતાં મંદિરના પ્રાંગણમાં મુકેલી દાન પેટી તેમજ ઉત્તર દિશાના દરવાજાનો અને ગર્ભગૃહના દરવાજાનો નકૂચો તોડી નાંખ્યાનું જણાયું હતું. તેમણે તુરંત તપાસ કરતાં મંદિરમાં સ્થાપના કરેલાં ભગવાનની મોટી પ્રતિમાઓ પર લગાવેલાં ચાંદીના છત્ર ગાયબ જણાયાં હતાં. જેના પગલે તેમણે સિક્યુરિટી ગાર્ડ તેમજ અન્ય લોકોને ઉઠાડ્યાં બાદ મંદીરના ટ્રસ્ટીઓને જાણ કરતાં તેઓ ત્યાં આવી પહોંચ્યાં હતાં.
તપાસ કરતાં મંદિરમાં સ્થાપિત કરાયેલી ભગવાનની પ્રતિમાઓ પરના કુલ 25 હજારના છત્ર તેમજ દાન પેટીમાંના કુલ 20 હજાર રોકડા મળી કુલ 45 હજારની મત્તાની ચોરી થઇ હોવાનું જણાયું હતું. બનાવને પગલે મંદિરના સીસીટીવી ફૂટેજ તપાસતાં રાત્રીના 3:10 વાગ્યાથી 3:26 વાગ્યા સુધીમાં માત્ર 10 મિનીટમાં જ ત્રણ તસ્કરો ચોરી કરી રફૂચક્કર થઇ ગયાં હોવાનું માલુમ પડ્યું હતું.