વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ થરાદના સણધર, મેઢાળા અને રામપુરા ખાતેથી બાળકોને શાળામાં કરાવ્યો પ્રવેશ
શાળા પ્રવેશોત્સવનો ત્રીજો દિવસ: આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ
30 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ થરાદના સણધર, મેઢાળા અને રામપુરા ખાતેથી બાળકોને શાળામાં કરાવ્યો પ્રવેશ
આપણા સંતાનો એ જ આપણી સાચી મૂડી: બાળકોના શિક્ષણમાં નિત્ય સહભાગી બનવા વાલીઓને અનુરોધ કરતા અધ્યક્ષશ્રી શંકરભાઈ
વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ બનાસકાંઠાના થરાદ તાલુકાના સણધર, મેઢાળા અને રામપુરા ખાતેથી બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. અધ્યક્ષશ્રી શંકરભાઈએ બાળકોને શૈક્ષણિક કીટ આપી કુમકુમ તિલક સાથે આવકાર્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય અને પ્રાર્થના થકી કરાઈ હતી. અધ્યક્ષશ્રીએ બાળકો સાથે સંવાદ કર્યો હતો અને વાલીઓને શિક્ષણ માટે કામ કરવા આહવાન કર્યું હતું.
અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, બાળકોને સંસ્કાર સાથે શિક્ષણ આપવું જોઈએ. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના શિક્ષણ માટેના અભિગમથી રાજ્યમાં શિક્ષણ માટે ઘણું કામ થયું છે. રાજ્ય સરકારે વિદ્યાર્થીઓનો ડેટા બેઝ તૈયાર કરીને ડૅશબોર્ડ તૈયાર કર્યું છે જેના થકી છેવાડાના વિદ્યાર્થીનું પણ યોગ્ય મૂલ્યાંકન થઈ શકે છે. છેવાડાના ગામડાઓમાં પાકી શાળાઓ, શિક્ષકોની ભરતી, સ્માર્ટ ક્લાસ રૂમ, લાઇબ્રેરી, પ્રયોગ શાળાઓ, વિદ્યાર્થીઓ માટે રમતગમતનું મેદાન ઉપલબ્ધ કરાવ્યા જેનાથી રાજ્યે શિક્ષા ક્ષેત્રે હરણફાળ ભરી છે.
અધ્યક્ષશ્રીએ વાલીઓને જણાવ્યું કે, આપણા સંતાનો એ જ આપણી સાચી મૂડી છે. શિક્ષણ માટે બાળકો સાથે હકારાત્મક સંવાદ કરવો જોઈએ. બાળકોને સંસ્કાર સાથે ભણવા માટે પ્રેરિત કરીને ગુણવત્તા ભર્યું શિક્ષણ આપવું જોઈએ. બાળકોના અભ્યાસમાં વાલીઓની ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે. બાળકને માત્ર શાળામાં મોકલવાથી ફરજ પૂરી થતી નથી, પરંતુ તેમના શિક્ષણમાં નિત્ય સહભાગી થવું એ મહત્વપૂર્ણ છે.
તેમણે ઉપસ્થિતોને વધુમાં વધુ વૃક્ષોનો ઉછેર કરીને પ્રકૃતિના જતન માટે કામ કરવા તથા પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો. સૌ કોઈએ સાથે મળીને વ્યસન મુક્તિ માટે કામ કરવું જોઈએ. આજે માહિતી અને ટેકનોલોજીનો યુગ છે ત્યારે બાળકોને પોતાની જિજ્ઞાસા અને રસ – રુચિ અનુસાર યોગ્ય શિક્ષણ આપવું જોઈએ. અધ્યક્ષશ્રી અને મહાનુભાવોએ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ શાળા પ્રવેશોત્સવમાં થરાદના સ્થાનિક પદાધિકારીઓ, પ્રાંત અધિકારીશ્રી તુષાર જાની, જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. હિતેશ પટેલ, પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વી.એમ.પટેલ, શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષણગણ, સરપંચશ્રીઓ સહિત સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ/કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં વાલીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.