વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ ગ્રામ પંચાયત દ્વારા ઉનાળાની ઋતુમાં પાણીની વિકટ સમસ્યાને દુર કરવા હેતુસર ગામના વિવિધ વિસ્તારમાં 20 જેટલા નવા બોર અને હેન્ડપંપ સ્થાપિત કરવામાં આવ્યા છે. વર્ષોથી ગામના મુખ્ય ટાઉન વિસ્તારમાં પાઈપલાઈન દ્વારા પીવાનું પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે. જોકે, ગામના અમુક અંતરિયાળ ફળિયામાં ઉનાળાની ઋતુ દરમિયાન પાણીની અછતની સમસ્યા ઉદભવતી હતી. ગ્રામજનોએ આ બાબતે સરપંચ ઝરણાબેન પટેલને રજૂઆત કરતા, તેમણે તાત્કાલિક પગલાં રૂપે 15મી નાણાંપંચની યોજના હેઠળ સરકાર સમક્ષ દરખાસ્ત મોકલી હતી.સરકાર તરફથી મળેલી મંજૂરી બાદ, તાજેતરમાં ગ્રામ પંચાયત દ્વારા અલગ-અલગ ફળિયાઓમાં બોર અને હેન્ડપંપનું કાર્ય હાથ ધરાયું હતું. અત્યાર સુધીમાં લગભગ 20 જેટલા નવા બોર અને હેન્ડપંપ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેના થકી દરેક બોર/હેન્ડપંપમાંથી લગભગ 7-8 ઘરોને પાણી ઉપલબ્ધ થવા લાગ્યું છે.આ પ્રયાસથી ગામના અનેક ફળિયામાં વસતા નાગરિકોને મોટી રાહત મળી છે. સરપંચ ઝરણાબેન પટેલે જણાવ્યું હતું કે, “ગામમાં કોઈપણ પરિવાર પીવાના પાણીથી વંચિત ન રહે, તે માટે ગ્રામ પંચાયત સતત પ્રયત્નશીલ છે અને જરૂર પડે ત્યારે વધુ પાણીના સ્ત્રોત ઊભા કરવામાં આવશે.”