સુરેન્દ્રનગર ખાતે ‘નવા ઇન્કમ ટેક્સ એક્ટ-૨૦૨૫’ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપતો સેમિનાર યોજાયો
આવકવેરા કાયદાની નવી કલમો સામાન્ય નાગરિકો તેમજ વેપારીઓ સુધી પહોંચાડવાનો પ્રશંસનીય પ્રયાસ

તા.23/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
આવકવેરા કાયદાની નવી કલમો સામાન્ય નાગરિકો તેમજ વેપારીઓ સુધી પહોંચાડવાનો પ્રશંસનીય પ્રયાસ, સુરેન્દ્રનગર ખાતે પ્રિન્સિપલ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ-૩, અમદાવાદ દ્વારા આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત ‘ઇન્કમ ટેક્સ એક્ટ-૨૦૨૫’ ની સમજણ આપતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ ખાસ કાર્યક્રમનો મુખ્ય હેતુ કરદાતાઓ અને સામાન્ય નાગરિકોને આવકવેરાના નવા કાયદા-૨૦૨૫ની જોગવાઈઓ અંગે યોગ્ય માર્ગદર્શન અને વિસ્તૃત જાણકારી આપવાનો હતો કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ દ્વારા ઇન્કમ ટેક્સ એક્ટ- ૨૦૨૫ની વિગતવાર માહિતી આપવામાં આવી હતી કાયદાની નવી કલમોથી સામાન્ય કરદાતાઓને કેવી રીતે ફાયદો થશે અને ટેક્સ પ્રક્રિયા કેવી રીતે વધુ પારદર્શક બનશે તે અંગે ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અમદાવાદ રેન્જ-૪(૧)ના જોઈન્ટ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ પ્રતીક શર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે પોતાના વક્તવ્ય દ્વારા ઉપસ્થિત લોકોને નવી જોગવાઈઓ અંગે મહત્વનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ પ્રશ્નોત્તરી સેશન દરમિયાન તેમણે સેમિનારમાં હાજર રહેલા સભ્યો અને વેપારીઓના મનમાં ઉદ્ભવતા વિવિધ મૂંઝવતા પ્રશ્નો તેમજ શંકાઓનું ખૂબ જ સચોટ અને સંતોષકારક રીતે નિવારણ કર્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સુરેન્દ્રનગરના સ્થાનિક આવકવેરા અધિકારી નિપુલ ડી. પૂજારા, અજયભાઈ પરમાર, કર સહાયક, વોર્ડ -૧, સુરેન્દ્રનગર તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં સુરેન્દ્રનગર સીએ એસોસિએશન, આઈટીપી એસોસિએશન તેમજ સ્થાનિક વેપારી મંડળો અને પ્રબુદ્ધ નાગરિકોએ ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.



