સુરેન્દ્રનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વની બેઠકઃ શહેરના કાયાકલ્પ માટે રૂ.43 કરોડથી વધુના વિકાસ કામોને અપાશે બહાલી
હવામહેલ-કમળ તળાવ ડેવલપમેન્ટ, ઝાલાવાડ હેરિટેજ મ્યુઝિયમ, 2 નવા આઇકોનિક રોડ અને 10 નવી આંગણવાડીઓ અંગે લેવાશે આખરી નિર્ણય

તા.20/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
હવામહેલ-કમળ તળાવ ડેવલપમેન્ટ, ઝાલાવાડ હેરિટેજ મ્યુઝિયમ, 2 નવા આઇકોનિક રોડ અને 10 નવી આંગણવાડીઓ અંગે લેવાશે આખરી નિર્ણય, સુરેન્દ્રનગર મહાનગર પાલિકાની સ્થાપનાને અંદાજે દોઢથી બે વર્ષનો સમય વીતી જવા છતાં શહેરીજનો પાયાની સુવિધાઓ માટે ઝંખી રહ્યા છે. અન્ય મહાનગર પાલિકાઓની સરખામણીએ સુરેન્દ્રનગર મનપાનો વિકાસ હજુ પ્રથમ પગથિયે જ અટકેલો હોય તેવી સ્થિતિ વચ્ચે આગામી શનિવાર, તા. ૨૨ ઓગસ્ટના રોજ મનપા કચેરી ખાતે સ્ટેન્ડિંગ કમિટીની અત્યંત મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. શહેરના સર્વાંગી વિકાસ અને કાયાકલ્પ અર્થે આ બેઠકમાં ૪૩ જેટલા મહત્વના કામોનો એજન્ડા રજૂ કરીને તેને મંજૂરીની મહોર મારવામાં આવશે. મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ( SJMMSVY ) હેઠળ શહેરના ઐતિહાસિક હવામહેલ અને કમળ તળાવ ડેવલપમેન્ટ તેમજ ઝાલાવાડ હેરિટેજ મ્યુઝિયમ ફેઝ-૧ને આખરી ઓપ અપાશે. આ ઉપરાંત મનપા ઝોનલ ઓફિસનું નિર્માણ અને ઉત્તર તથા દક્ષિણ ઝોનમાં કુલ ૧૦ નવી આંગણવાડીઓ બનાવવાનો મહત્વનો નિર્ણય લેવાશે શહેરના મુખ્ય માર્ગોને સુવિધાસભર બનાવવાના ભાગરૂપે રતનપર ચોકીથી અંડરપાસ સુધી તેમજ માળોદ ચોકડીથી બાપા સીતારામ ચોક સુધી ‘આઇકોનિક રોડ’ વિકસાવવામાં આવશે. આ સાથે જ શહેરની ટ્રાફિક વ્યવસ્થાને સુચારૂ બનાવવા માટે આધુનિક ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ મંજૂર કરવામાં આવશે. મનપામાં વિકાસકામોમાં મંદગતિ અને ઠાગાઠૈયા કરતી જૂની એજન્સીઓ સામે હવે મનપા તંત્ર લાલ આંખ કરે તેવા સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યા છે. આગામી દિવસોમાં કામગીરીમાં નિર્મળતા લાવવા નવી એજન્સીઓને જવાબદારી સોંપાઈ શકે છે. જેના અંતર્ગત એન્યુઅલ કોન્ટ્રાક્ટ પ્રક્રિયા નવેસરથી હાથ ધરવાની મંજૂરી અપાશે, મેઘાણીબાગ સ્વિમિંગ પૂલ તેમજ જીમના ઓપરેશન અને મેઇન્ટેનન્સ માટે આખરી ચર્ચા થશે, મનપા હસ્તકના તમામ બગીચાઓની જાળવણી અને સેનિટેશન શાખા માટે આઉટસોર્સિંગ મેનપાવર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે. શહેરના વોર્ડ નં. ૧ થી ૧૩ માં પીવાના પાણીની શુદ્ધિકરણ પ્રક્રિયા, લોકમેળાની હરાજીની પ્રક્રિયા તેમજ ભૂતપૂર્વ નગરપાલિકાના કર્મચારીઓને મહાનગર પાલિકાના મહેકમમાં કાયમી ધોરણે સમાવવા અંગે પણ આ બેઠકમાં આખરી મોહર મારવામાં આવશે. આગામી એક વર્ષમાં સુરેન્દ્રનગર શહેરની શકલ બદલી નાખનારા આ ૪૩ નિર્ણયો પર સમગ્ર ઝાલાવાડ વાસીઓની નજર મંડાયેલી છે.




