SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર તંત્રની લાલ આંખ: ખાંડના ભાવવધારા અને કાળાબજારી રોકવા પુરવઠા વિભાગના વેપારીઓને ત્યાં સઘન દરોડા

જથ્થાબંધ વેપારીઓ અને ગોડાઉનોમાં સ્ટોક મર્યાદા તેમજ રેકોર્ડની ચકાસણી કરાઈ

તા.28/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

જથ્થાબંધ વેપારીઓ અને ગોડાઉનોમાં સ્ટોક મર્યાદા તેમજ રેકોર્ડની ચકાસણી કરાઈ, આગામી તહેવારોની મોસમ દરમિયાન નાગરિકોને વ્યાજબી ભાવે આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે અને કૃત્રિમ અછત કે સંગ્રહખોરી ન થાય તે માટે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. હાલમાં ખાંડના ભાવમાં થતા વધારાને ધ્યાને રાખી જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી એ. જી. ગજ્જર અને તેમની ટીમ દ્વારા સમગ્ર જિલ્લામાં જથ્થાબંધ ખાંડના વેપારીઓ તથા મોટા વિક્રેતાઓને ત્યાં સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે પુરવઠા વિભાગની ટીમો દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલા ગોડાઉનો અને વેપારી મથકોએ રૂબરૂ સ્થળ તપાસ કરી ખાંડના ઉપલબ્ધ જથ્થા અને દસ્તાવેજી રેકોર્ડની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન નિયત મર્યાદા ૪,૦૦૦ ક્વિન્ટલથી વધુ જથ્થાનો સંગ્રહ થયો છે કે નહીં તેમજ ૩૦ દિવસથી વધુ સમય માટે સ્ટોક જાળવી રાખવામાં આવ્યો છે કે કેમ, તેની ચકાસણી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા તમામ વેપારીઓને કેન્દ્ર અને રાજ્ય સરકારના ખાંડ નિયંત્રણ સંબંધિત કાયદાઓ અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવા આદેશ આપવામાં આવ્યા છે. જિલ્લામાં સંગ્રહખોરી, કાળાબજારી કે ગેરરીતિ આચરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!