સમીર પટેલ, ભરૂચ
ત્રણ દિવસ પહેલા સુતરેલ ગામે તસ્કરોએ તરખાટ મચાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ચોરીની ઘટનાને મામલે મકાન માલિકે કુલ 16.13 લાખની મત્તાની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જે ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. વાગરા પોલીસે CCTV માં દેખાતા તસ્કરોની ઓળખ કરવા સાથે તેઓને દબોચી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.
સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 16.13 લાખની મત્તાની ચોરી થઈ હતી : ગત તારીખ ૨૭/૧૧/૨૦૨૪ ની રાત્રીના સમયે વાગરા તાલુકામાં આવેલા સુતરેલ ગામે ખડકી ફળીયા વિસ્તારમાં રહેતા યોગેશચંદ્ર ઉર્ફે રમેશભાઈ ગોવિંદભાઈ પટેલનાઓના બંધ મકાનમાં તસ્કરોએ કરતબ આજમાવ્યો હતો. મકાન માલિક યોગેશ ભાઈ પોતાના મકાનને બંધ કરી સામાજિક કામ અર્થે કરજણ તાલુકાના ગણપતપુરા ખાતે ગયા હતા. જ્યાં તેઓ પ્રસંગ પૂર્ણ કરી ભરૂચ પોતાના દીકરાને ત્યાં જઈને ભોજન કર્યા બાદ રાત્રી રોકાણ પણ ત્યાંજ કર્યું હતું. ત્યારબાદ તેઓ 27મી નવેમ્બરના રોજ સવારે લગભગ 6 વાગ્યે પોતાના મોબાઈલ ફોનમાં સુતરેલ ખાતે પોતાના ઘરની બહાર લગાવેલ CCTV કેમેરા ચેક કરતા એક કેમેરો બંધ હાલતમાં જણાયો હતો. તેમજ ઘરના આગળના દરવાજાનું તાળું પણ તૂટેલું જણાતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. અને તેમણે CCTV કેમેરામાં રિવર્સ કરી જોતા રાત્રીના સાડા ત્રણ વાગ્યાના સમયે અજાણ્યા ઈસમો તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા. જે બાદ અંદાજીત ચાર વાગ્યે ઘરની બહાર નીકળતા નજરે પડ્યા હતા. જેથી તેઓ તાબડતોબ સુતરેલ ખાતે દોડી આવી પોતાના મકાનમાં તપાસ કરતા ઘરના રસોડાના ભાગે મુકેલા બંને તિજોરીના દરવાજા ખુલ્લા હતા. અને તિજોરીનો સામાન પણ વેરવિખેર હાલતમાં પડેલો હતો. તપાસ કરતા તેમાંથી સોનાનો હાર, વીંટી, બુટ્ટી, ચેઇન, સોનાના તાર ચઢાવેલી બંગડી, તેમજ ચાંદીના જુડા,સાંકડા, ચાંદીના સિક્કા સહિત રોકડા 8000 મળી કુલ રૂ.16,13, 000 ના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
તસ્કરોની કરતૂટ કેમેરામાં કેદ થઈ :ચોરીની સમગ્ર ઘટના નજીકમાં લાગેલ CCTV કેમેરામાં કેદ થવા પામી છે. CCTV ફુટેજમાં જોઈ શકાય છે, કે બે ઈસમો ઘરના આગળના ભાગે આવી રહ્યા છે, ત્યાર બાદ એક ઈસમ પહેલા CCTV કેમેરો તોડી નાખે છે. ત્યાર બાદ કોઈ ઘરની ગ્રીલના દરવાજાનો નકુચો તોડી તાળું તોડી ઘરથી દૂર ફેંકતા નજરે પડે છે. અને દૂર અન્ય સાથીદારો હોઈ તેઓને પણ ઈશારો કરી રહ્યા હોય તેમ જણાય રહ્યું છે. તસ્કરોએ એક કેમેરો તો તોડી નાંખે છે. પરંતુ તેઓની પાછળ લાગેલ અન્ય એક કેમેરેમાં તમામ કરતૂટ કેદ થઈ જાય છે. જે ફૂટેજ હાલ બહાર આવ્યા છે. વાગરા પોલીસે CCTV ફૂટેજ મેળવી ચોરોને શોધવાની દિશામાં તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે.