MORBI:મોરબી જીલ્લામાં બાંધકામ મંજુરી સંબંધિત પરિપત્રો રદ કરવા લેખિતમાં રજૂઆત

MORBI:મોરબી જીલ્લામાં બાંધકામ મંજુરી સંબંધિત પરિપત્રો રદ કરવા લેખિતમાં રજૂઆત
મોરબી જીલ્લામાં બાંધકામ મંજુરીની પ્રક્રિયાને લઈને વાંધા ઉભા થયા છે. જીલ્લા વિકાસ અધિકારી દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રોને લઈ વિવાદ સર્જાયો છે. આ સંદર્ભે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાએ રાજ્યના પંચાયત મંત્રી બચુભાઈ ખાબડને લેખિત રજૂઆત કરી છે કે, બાંધકામ મંજુરી આપવા માટે ગ્રામીણ વિસ્તારોમાં જીલ્લા વિકાસ અધિકારીઓના આ પરિપત્રોથી તંત્ર પાસેની પ્રક્રિયા વધુ જટિલ બની ગઈ છે. ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ની કલમ ૧૦૪ મુજબ બાંધકામની મંજુરી આપવાનો અધિકાર ગ્રામ પંચાયત પાસે છે અને આ મંજુરી ગ્રામ સભામાં મેળવવી હોય છે. તેમાં તાલુકા પંચાયતની ભૂમિકા નથી. છતાં, હાલના પરિપત્રો મુજબ તાલુકા પંચાયત કચેરીથી પણ અભિપ્રાય લેવાની જોગવાઈ કરાઈ છે, જે પંચાયત સિસ્ટમ વિરુદ્ધ છે. આ નિર્ણયથી નાના મકાનધારકો તથા નાના ઔદ્યોગિક એકમોને માનસિક અને આર્થિક હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. તેમ છતાં આ પરિપત્રો મોરબી જીલ્લા માટે જ અમલમાં મુકાયા છે, ભેદભાવરૂપ લાગતું હોવાથી, તેનું યોગ્ય નિરીક્ષણ થવું જોઈએ. સાથે માંગ કરી છે કે આ પરિપત્રોની યોગ્ય તપાસ કરીને મોરબી માટેના ખાસ પરિપત્રો રદ કરવામાં આવે, જેથી નાના ઉદ્યોગકારો અને મકાનધારકોને રાહત મળે અને વિકાસના માર્ગે અવરોધ ન થાય તેવી માંગણી સાથે લેખિત રજુઆત કરી છે.









