GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ઓવરટેક કરવા મુદ્દે ખડકી ટોલનાકા પાસે કન્ટેનરના ડ્રાઈવરને વેગનઆર કારના ચાલક સહિત બે ઈસમોએ લાકડીઓ અને ગડદા-પાટુનો માર માર્યો.

 

તારીખ ૨૦/૦૭/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના ખડકી ટોલનાકા નજીક હાઈવે રોડ પર ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે કન્ટેનર ચાલકને આંતરીને વેગનઆર કારના ચાલક અને અન્ય એક ઈસમે ગાળો આપી, લાકડીઓ તથા ગડદા-પાટુનો ઢોર માર મારી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડ્યાની ઘટના સામે આવી છે. આ અંગે ભોગ બનનાર ડ્રાઈવરના પુત્રએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ, દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના દુમકા ગામના વતની સંજયભાઈ દેશીંગભાઈ પસાયાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમના પિતા દેશીંગભાઈ પસાયા (ઉ.વ. ૪૭) છેલ્લા ચારેક વર્ષથી રાજકોટની ‘ગોકુલ સ્નેક્સ’ કંપનીમાં કન્ટેનર (નંબર GJ-03-BY-6579) પર ડ્રાઈવીંગની નોકરી કરે છે. ગત તારીખ ૧૬/૦૭/૨૦૨૬ના રોજ તેઓ રાજકોટથી કંપનીનો માલ ભરીને શહેરા આવ્યા હતા અને ત્યાં માલની ડીલીવરી કરીને પરત કન્ટેનર લઈ રાજકોટ જઈ રહ્યા હતા.સાંજના આશરે પાંચેક વાગ્યાના અરસામાં વેજલપુરથી આશરે છ કિલોમીટર દૂર ખડકી ટોલનાકા નજીકના હાઈવે રોડ પર તેમનું કન્ટેનર જઈ રહ્યું હતું, ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલી એક વેગનઆર કાર (નંબર GJ-17-BN-7044) ના ચાલકે ઓવરટેક કરવા માટે સાઈડ માંગી હતી. સાઈડ ન મળતા ઉશ્કેરાયેલા વેગનઆર કારના ચાલકે કન્ટેનરને ઓવરટેક કરી આગળ પોતાની ગાડી ઊભી રાખી દીધી હતી.ત્યારબાદ કાર ચાલક અને તેની સાથેના અન્ય એક અજાણ્યા ઈસમે કન્ટેનરના ડ્રાઈવર દેશીંગભાઈને મા-બેન સમાણી ગાળો આપી, ડ્રાઈવર સીટમાંથી નીચે ખેંચી કાઢ્યા હતા. બંને ઈસમોએ દેશીંગભાઈને લાકડીઓ વડે તથા ગડદા-પાટુંનો બેરહેમ માર માર્યો હતો, જેના કારણે તેમને માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને તેઓ રોડ પર જ બેભાન થઈ ગયા હતા.ઘટના બાદ ઈજાગ્રસ્ત ડ્રાઈવરને તાત્કાલિક ખડકી ટોલનાકાની એમ્બ્યુલન્સ મારફતે કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અપાવી વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યાંથી પણ તબિયતમાં સુધારો ન થતા તેમને બારીયા બુટાલા હોસ્પિટલ અને ત્યારબાદ વધુ ગંભીર સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.ભોગ બનનારના પરિવારજનો હોસ્પિટલ અને સારવારની દોડધામમાં રોકાયેલા હોવાથી ફરિયાદ કરવામાં વિલંબ થયો હતો. આખરે પુત્ર સંજયભાઈ પસાયાએ વેજલપુર પોલીસ મથકે આવીને વેગનઆર કારના ચાલક સહિત બે ઈસમો વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ ૧૧૫(૨), ૩૫૨, ૧૧૮(૧), ૫૪ તથા જી.પી. એક્ટની કલમ ૧૩૫ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે. ઘટના અંગે વેજલપુર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!