GUJARAT

ઝઘડિયાના કરાર નજીક ધોળે દહાડે બાઇક સવાર ઇસમને લુંટી લેવાની ઘટના બનતા પંથકમાં ચકચાર

ઝઘડિયાના કરાર નજીક ધોળે દહાડે બાઇક સવાર ઇસમને લુંટી લેવાની ઘટના બનતા પંથકમાં ચકચાર

બે ઇસમોએ બાઇક રોકીને સોનાની ચેન અને વીંટીઓ મળી દોઢેક લાખ રૂપિયાનો મુદ્દામાલ લુંટી લીધો

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કરાર ગામ નજીક આજરોજ સવારના બાઇક પર નોકરીએ જતા એક ૪૦ વર્ષીય ઇસમને કોઇ અજાણ્યા બે ઇસમોએ લુંટી લીધેલ હોવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગે મળતી વિગતો અનુસાર મુળ પાણેથા ગામના રહીશ અને હાલ રાજપારડી ખાતે રહેતા કલ્પેશભાઇ જગદીશભાઇ પટેલ ઝઘડિયા જીઆઇડીસીની એક કંપનીમાં કોન્ટ્રાક્ટમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. તેઓ આજરોજ સવારના આઠ વાગ્યાના અરસામાં બાઇક લઇને રાજપારડીથી કરાર થઇને નોકરીએ જવા નીકળ્યા હતા,તેઓ કરાર નજીકથી પસાર થતા હતા તે દરમિયાન કરાર ગામે ગરનાળા નજીક હાથમાં છરા જેવા હથિયાર લઇને ઉભેલા બે ઇસમોએ બાઇકનું સ્ટીયરિંગ પકડી લેતા કલ્પેશભાઇએ બાઇક ઉભી કરી દીધી હતી. ત્યારબાદ તે લોકોએ કલ્પેશભાઇના ગળા નજીક છરો (હથિયાર)મુકી દેતા કલ્પેશભાઇ ગભરાઇ ગયા હતા અને તેમણે એ લોકોને કહ્યું હતુંકે મને મારશો નહિ, મારી પાસે જે છે તે બધુ તમને આપી દઉં છું,ત્યારબાદ એ લોકોએ કલ્પેશભાઇએ પહેરેલ સોનાની ચેન અને બે વીંટીઓ લઇ લીધી હતી અને ત્યારપછી એ બન્ને ઇસમો નજીકના કાચા રસ્તે થઇને જતા રહ્યા હતા. લુંટનો ભોગ બનનાર કલ્લેશભાઇએ ઘટના સંદર્ભે અખબારજોગ નિવેદન આપતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.કલ્પેશભાઇને લુંટી લેનાર આ ઇસમો હિંદીમાં બોલતા હતા અને તેમણે ટીશર્ટ અને લુંગી પહેરેલ હતી. ધોળે દહાડે બાઇક સવાર ઇસમે પહેરેલ સોનાની ચેન અને વીંટીઓ મળીને રૂપિયા ૧.૪૭ લાખના મુદ્દામાલની લુંટ થઇ હોવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર ફેલાવા પામી હતી. ઘટના સંદર્ભે લુંટનો ભોગ બનનાર કલ્પેશભાઇ પટેલે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી. ઉલ્લેખનીય છેકે હાલમાં ઝઘડિયા તાલુકાના વિવિધ ગામોએ રાત્રી દરમિયાન અજાણ્યા તસ્કરો આવતા હોવાની વ્યાપક લોકચર્ચાઓ ઉઠી રહી છે ત્યારે કરાર નજીકની આ લુંટની ઘટનાને પગલે તાલુકામાં તસ્કરો આવતા હોવાની બુમોમાં તથ્ય તો નથીને? એ બાબતે પણ હાલતો રહસ્ય સર્જાયું હોય એમ જણાય છે.

ઈરફાનખત્રી
રાજપારડી

Back to top button
error: Content is protected !!