વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
ચોમાસાની ઋતુમાં ફૂલદાની, કુંડા, પક્ષીકુંજ તથા પાણી સંગ્રહના પાત્રોની
નિયમિત સફાઈ કરવી હવાચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખવા જિલ્લા આરોગ્ય અધિકારી.
માંડવી,તા-૦૨ જુલાઈ : કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે દર વર્ષે દેશભરમાં જુલાઈ માસને “ડેન્ગ્યુ વિરોધી માસ’ તરીકે ઉજવવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા તા. ૧૬ મે, ૨૦૨૫ના રોજ ‘રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ’ ‘Check, Clean, Cover: Steps to defeat Dengue’ ની થીમ સાથે સમગ્ર દેશમાં ઉજવવામાં આવ્યો હતો. જે અંતર્ગત કચ્છ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ ડેન્ગ્યુ વાહકજન્ય રોગના નિર્મૂલન માટે લોકજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સીડીએચઓ ડો.મિતેશ ભંડેરી એ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં જુલાઈથી ઓકટોબર મહિના દરમિયાન ડેન્ગ્યુના કેસોમાં ખૂબ વધારો જોવા મળે છે, જેથી જિલ્લાના ગામોમાં આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ વિરોધી માસની ઉજવણી અંતર્ગત વર્કશોપ, શિબિર, શેરી નાટક, સ્લોગન, સ્પર્ધા વગેરે લોકજાગૃતિ કાર્યક્રમોનું તેમજ પોરાનાશક કામગીરી, એન્ટીલાર્વા એક્ટિવિટી સહિતની કામગીરીનું આયોજન કરવામાં આવશે. કચ્છ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા તેમજ વાહકજન્ય રોગના અસરકારક નિયંત્રણ માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જૂન માસમાં હાઉસ ટુ હાઉસ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું. આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા કક્ષાના વર્કશોપ, શિબિર, પ્રદર્શન, શાળા-કોલેજોમાં અવેરનેશ પ્રોગ્રામ, રંગોળી, ડ્રોઈંગ, સ્લોગન સ્પર્ધાનું આયોજન તેમજ શેરી નાટક, વોલ સ્લોગન્સ, બેનર્સ, પોસ્ટર્સ થકી ડેન્ગ્યુનો ફેલાવો અટકાવવા જુદાજુદા લોકજાગૃતિના કાર્યક્રમો પૂર્વ તૈયારીઓ સાથે યોજાવામાં આવી રહ્યા છે. વધુમાં તેઓ જણાવે છે કે, ડેન્ગ્યુએ વાયરસથી થતો અને એડીસ ઇજિપ્તી મચ્છર દ્વારા ફેલાતો રોગ છે. દિવસ દરમિયાન કરડતો આ મચ્છર એક ચમચી જેટલા સંગ્રહ થયેલ સ્વચ્છ પાણીમાં પણ ઇંડા મૂકી શકે છે. તેથી ફૂલદાની, કુંડા, પક્ષીકુંજ તથા પાણી સંગ્રહના તમામ પાત્રોની નિયમિત સફાઈ કરવી જોઈએ તેમજ પાણી સંગ્રહના પાત્રો હવાચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખવા જોઈએ. ઉપરાંત ઘર, અગાસી અને ઘરની આસપાસ પડી રહેલા નકામા ખાલી પાત્રો, ભંગાર, ટાયર, નાળિયેરની કાચલી વગેરેનો સત્વરે નાશ કરવો આવશ્યક છે. સાથે જ એક સંકલ્પ લઈ દર રવિવારે ૧૦ મીનીટ ફાળવવીને આપણા ઘરની આસપાસ ૧૦ મીટરના એરિયામાં સફાઈ રાખવી, પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિન ઉપયોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવામાં સહભાગી બનવું તેઓ અનુરોધ કરવામાં આવ્યો છે.



