
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
ખેરગામના વલસાડ રોડ ઉપર આવેલા બિરસા મુંડા સર્કલ ઉપર તાલુકા પંચાયત દ્વારા 15મા નાણાપંચમાંથી હાઈમાસ્ટ ટાવર ઊભો કરવામાં આવ્યો છે. પરંતુ તેમાં હજુ સુધી લાઇટનું કનેક્શન ન મળવાના કારણે હાઈમાસ્ટ ટાવર ઊભો થવા છતાં તેને ઝળહળતો કરવામાં થઈ રહેલા વિલંબથી લોકોને અંધારામાંથી પસાર થવું પડે છે.
ખેરગામ નગરમાં વિકાસની લહેર તો જોવા મળી રહી છે.ગામના 16 વોર્ડ અને 20 હજારથી વધુ વસતી ધરાવતા નગરને વિકાસની સાથે ગટર યોજના, ડમ્પિંગ સાઇટ જેવા અનેક પ્રશ્નો અગાઉ વિવાદનો પર્યાય બની ચૂક્યા છે.ત્યારે ડમ્પિંગ સાઇટ મુદ્દે તો પંચાયતે લોકોની સમસ્યા દૂર થાય તે માટે વૈકલ્પિક ધોરણે પ્રશ્ન હલ કર્યો છે.પરંતુ ગામમાં ગટરનો પ્રશ્ન તો હજુ ઠેરનો ઠેર છે.વલસાડ રોડ ઉપર આવેલ બિરસા મુંડા સર્કલ ઉપર હાઇમાસ્ટ ટાવર બાબતે લોકોની ઘણા સમયથી ઉઠેલી રજુઆત બાદ સ્થાનીક તાલુકા પંચાયત સભ્ય રક્ષાબેન પટેલના પ્રયાસોથી બિરસા મુંડા સર્કલને ઝળહળતો કરવા હાઇમાસ્ટ ટાવર લગાવવામાં આવ્યો છે, પણ લાઇટનું કનેક્શન હજુ સુધી લેવામાં ન આવતા છેલ્લા ઘણા દિવસથી આ ટાવર શોભના ગાંઠિયા સમાન બન્યો છે.જેને કારણે અહીંથી પસાર થતાં લોકો અને રાહદારીઓ અંધારામાં પસાર થઈ રહ્યા છે. હાઈમાસ્ટ ટાવરની લાઇટ ચાલુ થાય એ માટે લોકો રજૂઆત કરી હતી પરંતુ આ મામલે લાઈટ ચાલુ થવામાં વિલંબ થતા લોકોમાં અસંતોષ વ્યાપ્યો છે.હાઇમાસ્ટ ટાવર લગાવતા સ્થાનિક લોકો તેમજ રાહદારીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી,ત્યારે ટાવરને ઝળહળતો કરી અંધકાર દૂર કરવા પંચાયત દ્વારા કાર્યવાહી થાય એવી માંગ લોકોમાં ઉઠી છે.



